Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બેઈન સર્કિટના ઉપયોગ દ્વારા કોરોનાના ૫૦થી વધુ દર્દીઓની મહામૂલી જિંદગી બચાવાઈ

“જરૂરિયાત એ શોધખોળોની જનની છે” ઉક્તિને સાર્થક કરતો કિસ્સો

બેઈન સર્કિટના ઉપયોગ દ્વારા કોરોનાના ૫૦થી વધુ દર્દીઓની મહામૂલી જિંદગી બચાવાઈ
, ગુરુવાર, 6 મે 2021 (15:49 IST)
જરૂરિયાત, આફત કે મહામારી એ શોધખોળોની જનની છે. આ કહેવત હાલમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં સાચી પુરવાર થઇ રહી છે. વધતા જતા કોરોના કેસોના કારણે ઓક્સિજનની કટોકટી સર્જાવાના અનેક કિસ્સાઓમાં કસોટીના સમયે રાજકોટ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગે અત્યાર સુધી માત્ર પોતાના ક્ષેત્રમાં વપરાતી “બેઈન સર્કિટ”નો ઉપયોગ કરીને કોરોનાના ૪૦થી ૫૦ જેટલા દર્દીઓની મહામૂલી જિંદગી બચાવી છે.
webdunia
સામાન્ય રીતે એનેસ્થેસિયા એટલે ઓપરેશન વખતે દર્દીને શરીરની વાઢકાપ વખતે દર્દ ન થાય તે માટે બેહોશ કરવાની તથા સમયાંતરે દર્દીને હોશમાં લાવવાની પધ્ધતિ. પરંતુ, તમને સવાલ થશે કે એવી સારવારની કોવિડના દર્દીઓમાં શી જરૂર? બેઈન સર્કિટ શું છે? તેનો ઉપયોગ શા માટે અને કેવી રીતે થાય?
આ સવાલના જવાબ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના નોડલ ઓફિસર ડો. ચેતના જાડેજા જણાવે છે કે કોવિડ-૧૯માં ફેફસાને પૂરતો ઓક્સિજન તથા લોહી ન મળવુ, કાર્યક્ષમતા ઓછી થવી, લોહી ગંઠાઈ જવું, જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં દર્દી હવામાંથી ઓક્સિજન નથી મેળવી શકતો. પરિણામે, ગંભીર પરિસ્થિતિમાં દર્દીને ૭૦થી ૧૦૦ ટકા જેટલો ઓક્સિજન આપવો પડે છે.
 
ડો. જાડેજાએ કહ્યું કે જે દર્દીઓના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય અને શ્વાસોશ્વાસમાં સમસ્યા હોય તેને ગંભીરતાના આધારે વેન્ટિલેટર પર કે હાઈફ્લો નોઝલ ઓક્સિજન થેરપી નામના મશીન દ્વારા સારવાર આપવામાં આવે છે. પરંતુ, જ્યારે ઓક્સિજનનો જથ્થો ઓછો હોય અને દર્દીની જરૂરિયાત વધારે હોય ત્યારે બેઈન સર્કિટનો ઉપયોગ કરીને ઓછા ઓક્સિજને મહત્તમ સારવાર આપી શકાય છે.
webdunia
વેન્ટિલેટર સામાન્ય રીતે ૫૦ લિટર જેટલો ઓક્સિજન એક મિનિટમાં વાપરે છે તેની સરખામણીમાં બેઈન સર્કિટમાં ૧૨થી ૧૫ લીટર ઓક્સિજન રાખવો પડે છે. જ્યારે ઓક્સિજન બચાવવાની આ પદ્ધતિમાં આઠ લિટર સુધી પણ દર્દીનું ઓક્સિજન લેવલ ૯૫ થી ૧૦૦ સુધી જાળવી શકાય છે. આ ટેકનિકનો ઉપયોગ દર્દીના રિકવરી ફેઝમાં કરી શકાય છે. અલબત્ત, બેઈન સર્કિટનો ઉપયોગ કરતી વખતે દર્દીની સાથે અનુભવી અને કાબેલ એનેસ્થેસિસ્ટ અથવા ઈન્ટેનસિરિસ્ટ (આઇ.સી.યુ સ્પેશિયલિસ્ટ)ની જરૂર પડે છે. દર્દીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આ પદ્ધતિ ઘણી કારગત સાબિત થાય છે તેમ ડો. ચેતનાબેને ઉમેર્યું હતું. અમદાવાદ, સુરત તથા ભાવનગરમાં પણ આ પધ્ધતિનો ઉપયોગ થાય છે.
 
આ અંગે એનેસ્થેસિયા વિભાગના હેડ ડો વંદનાબેન પરમાર જણાવે છે કે, હાલમાં એનેસ્થેસિયા વિભાગમાં સિનિયર કનસલ્ટન્ટ, સિનિયર રેસિડેન્ટ સહિત કુલ ૪૫ જેટલા ડોક્ટરો સતત કાર્યરત છે. જ્યારે બાકીનો દસેક ટકા સ્ટાફ નોન-કોવિડ ડ્યુટી બજાવે છે.
 
તેમણે ઉમેર્યું કે દિવસમાં ૨૦-૩૦ મિનિટ યોગ, પ્રાણાયમ તથા ઊંડા શ્વાસની સાથે ઓમકાર બોલવાથી અથવા નિયમિત રીતે સાયકલિંગ કે રનિંગ કરવાથી સમગ્ર શ્વસનતંત્રની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. આ સિવાય પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને દર કલાકે ૪૦ સેકન્ડ સુઘી ઘસીને હાથ સાફ કરવા અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું.
 
એનેસ્થેસિયા વિભાગની ઉમદા કામગીરીના કારણે અનેક દર્દીઓની મહામૂલી જિંદગી બચી રહી છે તેનો હરખ દર્દી અને ડોક્ટરોના ચહેરા પર દેખાઈ આવે છે.
 
કેવી રીતે કામ કરે છે બેઇન સર્કિટ?
 
બેઈન સર્કિટમાં બે નળીને ટી પાઈપ વડે જોડવામાં આવે છે. તેમાંથી એક નળી ઓક્સિજન માટે ફ્લો મિટરના પાઈપ સાથે લગાવવામાં આવે છે, જ્યારે બીજો પાઈપ કાર્બન ડાયોક્સાઈડના બાહ્ય વહન માટે છે. તેમાં ફુગ્ગા જેવી એક રિઝરવોયર બેગ હોય છે. જે ઓક્સિજનને રિઝર્વ રાખવાનું કામ કરે છે તથા જરૂર પડ્યે દર્દીને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી શકે છે. તેમાં ગરમી અને ભેજના સુચારુ વિનિમય માટે એચ.એમ.ઈ. (HME – Heat and Moisture Exchanger) ફિલ્ટરનો ઉપયોગ કરીને પછી માસ્ક લગાવવામાં આવે છે. આ કિટને કેમિકલમાં સ્ટરિલાઇઝ્ડ કરીને ફરીવાર ઉપયોગમાં લઈ શકાય છે. સર્કિટની કિંમત રૂ. ૮૦૦થી ૯૦૦ જેટલી હોય છે. આ ઉપરાંત, કોરોનાના અમુક દર્દીઓને CPAP - Continuous positive airway pressure માસ્ક વડે પણ સારવાર આપવામાં આવે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આઈપીએલ 2021 સ્થગિત થતા જ વિરાટ કોહલી કોરોના મહામારી વિરુદ્ધ જંગમાં વ્યસ્ત