નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મહુવર ગામમાં નાના સંતાનોના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મહુવર ગામમાં ઘરના આંગણામાં રમી રહેલા ચાર વર્ષના બાળક પર પાંચ જેટલા રખડતા શ્વાને હુમલો કરી લોહીલુહાણ કરી નાખતા માસૂમનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. નાના એવા ગામમાં બનેલા હચમચાવી નાખતા બનાવના કારણે ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મહુવર ગામમાં અમિત રાઠોડ, તેમના પત્ની અને બે સંતાનો સાથે રહે છે. શ્રમજીવી દંપતી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે તનય નામનો ચાર વર્ષીય બાળક પોતાના ઘરના આંગણામાં રમી રહ્યો હતો. જ્યારે તેના માતા ઘરમાં ઘરકામ કરી રહ્યા હતા. આ સમયે જ ગામમાંથી આવેલા પાંચ જેટલા રખડતા શ્વાન તનય પર કાળ બનીને તૂટી પડ્યા હતા અને ગણતરીની સેકન્ડોમાં જ બાળકના શરીરને લોહીલુહાણ કરી નાખ્યું હતું.ઘરના આંગણામાં જ રખડતા કૂતરાઓએ હુમલો કરતા બાળક રડવા લાગ્યો હતો. જેથી તુંરત જ તેના માતા ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. જો કે, માતા પહોંચ્યા ત્યાં તો માસૂમ તનયને લોહીલુહાણ કરી નાખ્યો હતો. માતા અને અન્ય પાડોશીઓએ તાત્કાલીક તનયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે બાળકે મૃત જાહેર કરતા જ પરિવાર પર આભ ફાટ્યું હતું.