દેશમાં કઠુઆમાં નાની બાળકી સાથે આચરવામાં આવેલ બર્બરતાને લઈને સમગ્ર દેશ ગુસ્સાથી ભભૂકી ઉઠ્યો છે ત્યાં ગુજરાતના સુરતમાં 11 વર્ષની બાળકી સાથે આચરવામાં આવેલ પાશવી અત્યાચારને લઈને સમગ્ર રાજ્યમાં લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ચૂક્યો છે. ઠેરઠેર રેલીઓ અને કેન્ડલ માર્ચ દ્વારા લોકો સુરતની નિર્ભયાના આરોપીઓને પકડીને કડકમાં કડક સજા આપવા માટે માગણી કરી રહ્યા છે. તો પોલીસની સાથે સાથે સામાન્ય લોકોએ પણ બાળકીના પરીવારને શોધવા અને આરોપીઓની ભાળ મેળવવા માટે મોટા ઇનામની ઘોષણા કરવાનું શરુ કરી દીધું છે.
પોલીસ બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરપિશાચોને પકડી પાડવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે. તો બીજી તરફ મૃતદેહ મળ્યાના 10 દિવસ થઈ ગયા છતા બાળકીના પરીવારની ઓળખ પણ થઈ શકી નથી. જે માટે પોલીસે બાળકીના ફોટો સાથે રુ.20000ના ઈનામની રકમની જાહેરત કરતા પોસ્ટર છપાવી ઠેરઠેર વહેંચ્યા છે. સુરતની આ બાળકી સાથે કરવામાં આવેલ ક્રૂરતાનો ખ્યાલ તેના પરથી જ આવે છે કે જ્યારે બાળકીનો મૃતદેહ મળ્યો ત્યારે તેના દાંત પર લોહીની સાથે ગાલ પર આંસૂ સુદ્ધા સુકાઈ ગયા હતા.પોલીસે ગુજરાત બહાર પણ બાળકીના પરીવારની ઓળખ માટે પ્રયાસો ગતિમાન કર્યા છે જોકે સફળતા ન મળી નથી. આ ઘટનાથી સુરતના લોકો પણ હલબલી ગયા છે અને એક સ્થાનિક ડેવલોપર તુષાર ઘેલાણીએ બાળકીના પરીવાર અથવા તેના આરોપીઓ અંગે જાણકારી આપનારને સરકાર કરતા પણ વધારે રુપિયા 5 લાખનું ઇનામ જાહેર કર્યું છે.તેમણે એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા કહ્યું કે, ‘સુરતની આ ઘટના આપણા માટે શરમજનક છે. રેલી અને પ્રદર્શન તો બીજીવાત છે પરંતુ દોષીઓને પકડીને કડકમાં કડક સજા મળે તેનું કોણ જોશે? આ હેવાનીયત માટે અપરાધીઓનું પકડાવું ખૂબ જરુરી છે. આ માટે જે મે આટલું મોટું રોકડ ઈનામ રાખ્યું છે. જેનાથી આશા છે કે પોલીસને પણ મદદ મળશે. સુરતમાં અનેક જગ્યાએ કેન્ડલ માર્ચ અને રેલી નીકળી રહી છે. 2011માં સ્ત્રી-પુરુષ તફાવત દર 1000 પુરુષોએ 919 મહિલા હતો જે ઘટીને હાલ પ્રત્યેક 1000 પુરુષોએ 854 મહિલા થઈ ગયો છે. એવું લાગી રહ્યું છે કે હવે તો દીકરીઓને માતાની પેટમાંથી બહાર આવતા જ ડર લાગી રહ્યો છે.’ તો હાર્દિક પટેલે રાજ્ય સરકાર પર ઠીકરું ફોડતા કહ્યું કે, ‘આ જ છે સાચુ ગુજરાત મોડેલ, અપરાધીઓ સામે પોલીસ અને સરકાર લાચાર થઈ ગઈ છે. હવે ન્યાય માટે લોકોએ જ બહાર આવવું પડશે.