આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ કેબિનેટ બેઠકમાં અનેક મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 અને 11 વર્ગો શરુ કરવાને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના ક્લાસ શરુ કરવામાં આવશે.
આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે, 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને ધોરણ 11 નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. તેમજ ટ્યુશન ક્લાસીસ પણ 1 ફેબ્રુઆરીથી ચાલુ કરી શકાશે. ટ્યુશન ક્લાસીસમાં માત્ર 9 થી 12 ધોરણ સુધીના જ શરૂ કરવામાં આવશે.
જો કે 8 જાન્યુઆરીએ શિક્ષણવિભાગે જાહેર કરેલી SOPનું પાલન ફરજિયાત કરવું પડશે. સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇન મુજબ ટયુશન કલાસીસ શરુ કરવા મંજૂરી આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા કોલેજના FY, SYના વર્ગો શરુ કરવાને લઇને આગામી ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. આ સાથે રાજ્યમાં હોસ્ટેલ શરુ કરવાને લઇને પણ આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.