Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં પરત લાવવા માટે તૈયારીઓ શરુ, આગામી 15 ફેબ્રુઆરી પછી નિર્ણય લેવાય તેવી શક્યતાઓ

શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં પરત લાવવા માટે તૈયારીઓ શરુ, આગામી 15 ફેબ્રુઆરી પછી નિર્ણય લેવાય તેવી શક્યતાઓ
, બુધવાર, 10 ફેબ્રુઆરી 2021 (11:42 IST)
તાજેતરમાં જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક વીડિયો મારફતે જણાવ્યું હતું કે જો દિલ્હીથી સોનિયા ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડ તેમને વાતચીત કરવા માટે બોલાવશે તો તેઓ દિલ્હી જઈને તેમની સાથે ચર્ચાઓ કરશે. હવે ગુજરાત કોંગ્રેસમાં શંકરસિંહ બાપુના પ્રવેશની કવાયત શરુ થઈ ગઈ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ આ અંગે માત્ર એટલું જ કહી રહ્યાં છે કે શંકરસિંહને કોંગ્રેસમાં પરત લાવવાનો નિર્ણય હાઈકમાન્ડ કરશે. જોકે પાર્ટીના જ કેટલાક વિશ્વસનીય સૂત્ર વચ્ચે ચાલતી ચર્ચા મુજબ બે દિવસ પહેલા મોડી રાત્રે ભરતસિંહ સોલંકીએ પોતાના નિવાસસ્થાને વાઘેલા સાથે બંધ બારણે મીટિંગ યોજી હતી.
હાલના સમયમાં કોંગ્રેસ પાસે ગુજરાતમાં કોઈપણ સર્વસ્વિકૃત નેતા નથી
શંકરસિંહ વાઘેલાની આ કથિત મુલાકાત બાદ સોલંકીએ તે જ રાત્રે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને પણ કોંગ્રેસમાં પરત લાવવા માટે પ્રયાસો કર્યા હોવાનું કહેવામાં આવે છે. આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ સામે બાથ ભીડવા અને જ્ઞાતિ જાતીના રાજકીય સમીકરણો બેસાડવા માટે વાઘેલા અને ઠાકોરની ઘરવાપસી માટે કોંગ્રેસ તૈયારી કરી રહી છે. મહત્વનું છે કે હાલના સમયમાં કોંગ્રેસ પાસે ગુજરાતમાં કોઈપણ સર્વસ્વિકૃત નેતા નથી. તેમજ કોંગ્રેસ પાર્ટી માટે લોકો વચ્ચે પણ માસ અપીલ ધરાવતા કદાવર નેતાની મોટી ખોટ છે.  
આગામી 15 ફેબ્રુઆરી પછી ગમે ત્યારે ઘરવાપસીની આ જાહેરાત થઈ શકે
આ તરફ કોંગ્રેસના સૂત્રોમાં ચર્ચાતી વાત મુજબ આગામી 15 ફેબ્રુઆરી પછી ગમે ત્યારે ઘરવાપસીની આ જાહેરાત થઈ શકે છે. જો કોંગ્રેસના સૂત્રોની વાત માનીએ તો પાર્ટી માટે હાલની પંચાયતો અને પાલિકાની ચૂંટણી મીની વિધાનસભા ચૂંટણી સમાન જ છે. 2015માં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને ધોબીપછાડ આપી હતી. કુલ 31માંતી 23 જેટલી જિલ્લા પંચાયતો પર કોંગ્રેસનો વાવટો લહેરાવ્યો હતો. જોકે તે વખતે પણ મહાનગરોમાં કોંગ્રેસની નબળાઈ સામે આવી હતી.
ભરતસિંહ સોલંકીએ આ કામનું બીડું ઝડપ્યું હોવાની ચર્ચાઓ
રાજ્યમાં કોંગ્રેસના અસ્તિત્વ પર પણ કેટલાક સવાલ છે. તો તેની સાથે ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદભાઈ પેટલના અવસાન પછી દિલ્હીમાં હાઈકમાન્ડ સુધી વ્યક્તિગત રીતે રાજ્યનો અવાજ પહોંચાડનાર કોઈ નેતા નથી તેવી સ્થિતિમાં વાઘેલા અને ઠાકોરની ઘરવાપસી કરાવવાથી કોંગ્રેસ પોતાનો ઉદ્ધાર જોઈ રહી હોવાનું મનાય છે. તો આગામી વિધાનસભા ચૂંટણીમાં 2017ની જેમ ભાજપને ખૂબ જ મજબૂતાઈથી પડકાર આપવા માટે જ્ઞાતિ-જાતિના સમિકરણો અને આક્રમક્તા સાથે જાણિતા ચહેરાની ખોટ પૂરી કરવા માટે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ કામનું બીડું ઝડપ્યું હોવાનું લાગે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં 27 વર્ષના દીકરાની માતા પ્રેમમાં પડી, પરિવારને ખબર પડતાં સંબંધ કાપ્યો તો પ્રેમી ઉશ્કેરાયો, માતા-પુત્રીના નગ્ન ફોટા વાઇરલ કર્યા