સાતમા પગાર પંચ મુદ્દે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજના પ્રોફેસરોનું ગઇકાલે અમદાવાદમાં મહાસંમેલન હતું. આ મહાસંમેલનમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને તે પછી સરકાર સામે રણનીતિ પણ બનાવવામાં આવી હતી. આમાં જ ઠરાવ કરવામાં આવ્યો છે કે જો સરકાર 10મી સુધીમાં પગાર પંચનો અમલ નહીં કરે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલમાં અધ્યાપકોનું મહાસંમેલન યોજાયુ હતું. જેમાં રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીઓના અને સંલગ્ન કોલેજના અધ્યાપકો, આચાર્યો મોટી સંખ્યામાં ભેગા થયા હતાં.
આ મહાસંમેલનમાં અંદાજે 1200થી વધારે પ્રોફેસરો ભેગા થયા હતાં. ગુજરાત સરકારના નાણામંત્રી નીતિન પટેલે ગત વિધાનસભાની ચૂંટણી પહેલા જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ યુનિ.ઓ માટે અમલ કરાવમા આવતા તરત જ રાજ્ય સરકાર પગારપંચનો અમલ કરી દેશે. આ જાહેરાતને એક વર્ષ થવા આવ્યુ છે છતાં સરકારે હજુ સુધી યોગ્ય પ્રક્રિયા હાથ નથી ધરી. જેના કારણે અધ્યાપકોમાં રોષ જોવા મળ્યો હતો.