મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના અંતર્ગત લીંક-૪ હેઠળના આંકડીયા ડેમમાં આવેલા મા નર્મદા નીરના વધામણા કર્યા હતા અને રૂ.૧૬૬૭ કરોડના ખર્ચે નંખાયેલી નર્મદા પાઇપલાઇનનું લોકાર્પણ કર્યુ હતુ. જસદણની પાંચાળભૂમિનો આ ડેમ અઢી દાયકા બાદ છલોછલ ભરાયો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ચોમાસામાં વરસાદન પડે તો પણ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણે મા નર્મદાના પાણી પહોંચાડવામાં આવશે.વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના અંતર્ગત ૨૧ ડેમો, ૪૮ તળાવો અને ૧૭૪ ચેકડેમો નર્મદાના પાણીથી ભરાઇ ચૂક્યા છે.
હજુ પણ ૬૫૦૦ કરોડના કામોને મંજૂરી આપી દેવામાં આવી છે, આ યોજનાનું કામ ઝડપથી થઇ રહ્યું છે. નર્મદાના પાણીનું માહત્મ્ય સમજાવતા મુખ્યમંત્રી એ જણાવ્યું કે, સરસ્વતીમાં દસ વખત, યમુનામાં ત્રણ વખત, ગંગામાં એક વખત સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય મા નર્મદાના દર્શન કરવા માત્રથી મળે છે. આવી પવિત્ર નર્મદા નદીની પરિક્રમા કરવાનું પણ અનોખું માહત્મ્ય છે ત્યારે હવે મા ખુદ નર્મદા સૌરાષ્ટ્રની પરિક્રમા કરવા નીકળી છે. સૌરાષ્ટ્રના જન-જનની તરસની તૃપ્તિ મા નર્મદા કરશે. સૌની યોજનાના અમલીકરણમાં હું નિમિત્ત બન્યો તે માટે સૌરાષ્ટ્રના સંતાન તરીકે મને ગૌરવ છે. સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણે નર્મદાનું પાણી પહોંચાડવાનો નિર્ધાર છે. રાજકોટ શહેરના આજી ડેમમાં પણ ટૂંકસમયમાં નર્મદાના પાણી પહોંચશે,
આગામી તા.૨૯ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજી ડેમમાં નર્મદાના નીરના વધામણા કરશે. આજી સાથે ન્યારી, લાલપરી જળાશયો પણ નર્મદાના પાણીથી ભરાશે. સૌરાષ્ટ્રના ખેડુતોએ મૂંઝાવાની જરૂર નથી. આપણી ઉપર કુદરત અને મા નર્મદા મહેરબાન છે. વરસાદ વિના પણ ખેડુતો ત્રણ પાક લઇ શકશે. રૂપાણીએ ભારપૂર્વક જણાવ્યું કે, આ સરકાર ખેડૂતોની સરકાર છે. ખેડૂતોને પાણી, વિજળી અને ખાતર મળી રહે તો તે માટીમાં સોનું પકાવવાની તાકાત ધરાવે છે. આવી સુવિધા ખેડુતોને આપવા માટે સરકાર પ્રતિબધ્ધ છે. ખેડુતો નકલી બિયારણમાં છેતરાય નહિ તે માટે સઘન કાર્યવાહી કરવામાં આવી છે. ખેડુતોને તેની જણસોના ટેકાના ભાવ મળી રહે તે માટે સરકારે આયોજન ઘડી કાઢ્યું છે એટલે જ રૂ.૧૦૦૦ કરોડની મગફળી અને રૂ.૬૦૦ કરોડની તુવેરદાળની ખરીદી સરકારે કરી છે.