મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરદાર સરોવર નર્મદા ડેમ-કેવડીયા પહોચીને ડેમના દરવાજા ખોલવા અને પાણી છોડવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું. ઉપરવાસમાં થયેલા સારા વરસાદને પરિણામે ડેમના જળાશયમાં વરસાદી પાણી આવ્યું છે તે હિલ્લોળા લેતા અગાધ જળરાશિને તેમણે પૂરોહિતોના મંત્રોચ્ચાર વચ્ચે શ્રીફળ –ચુંદડીથી વધાવ્યા હતા.
મુખ્યમંત્રીએ નર્મદા જળને વધાવતા કહ્યું કે, નર્મદા ડેમ ૧૩૧.પ મીટરે ભરીને ગુજરાતે પોતાનું ઇજનેરી કૌશલ્ય – ટેકનીકલ ક્ષમતા પૂરવાર કરી છે. તેમણે આગામી ૧૦.૧પ દિવસ હજુ સારા વરસાદની આગાહી છે અને વાતાવરણ પણ સાનૂકુળ છે ત્યારે નર્મદાના ડેમ પૂર્ણ સપાટી ૧૩૮ મીટરે પહોચશે અને સરદાર સાહેબે ૧૯૪૮માં સેવેલું સપનું સાકાર થશે તેવી અપેક્ષા પણ વ્યકત કરી હતી.
વિજય રૂપાણીએ પ્રચાર માધ્યમો સમક્ષ એમ પણ જણાવ્યું કે ગુજરાતે નર્મદા ડેમ ભરીને નેવાના પાણી મોભે ચડાવવાની સિધ્ધિ મેળવી છે. એટલું જ નહિ, સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર-મધ્ય ગુજરાતની કેનાલ-બ્રાંચ કેનાલમાં, સુજલામ્ સુફલામ્ કેનાલોમાં, સૌની યોજનાના ડેમમાં આ પાણી છોડીને ખેડૂતોને સિંચાઇ માટે તથા લોકોને પીવા માટે ઉપલબ્ધ બનાવવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેમના દરવાજાની અને ડેમ પૂર્ણ કક્ષાએ ભરવાની પરવાનગી આપ્યા પછી પહેલીવાર ડેમની સપાટી ૧૩૧.પ મીટરે પહોચી છે તે સમગ્ર ગુજરાત માટે આનંદનો અવસર છે. ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ થવાથી દુષ્કાળની ચિંતા ટળી ગઇ છે. મા નર્મદાના જળ પણ હવે રાજ્યના ખૂણેખૂણા સુધી પહોચતા થયા છે.
તેમણે જણાવ્યું હતું કે, કેનાલ નેટવર્કમાં મહત્તમ પાણી છોડવામાં આવી રહ્યું છે. સાથોસાથ ડેમના દરવાજા ખોલવાને પરિણામે નર્મદા કાંઠાના ગામો જે જિલ્લાની હદમાં આવે છે એ જિલ્લાના તંત્રને સતર્ક કર્યા છે. જરૂર જણાય ત્યાં લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની અને તકેદારી રૂપે અન્ય વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ પણ તંત્રવાહકોને આપી દેવાઇ છે એમ પણ તેમણે કહ્યું હતું.