Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને દેશભરમાં બદનામ કરવાનું બંધ કરો : નીતિન પટેલ

ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને દેશભરમાં બદનામ કરવાનું બંધ કરો : નીતિન પટેલ
, શુક્રવાર, 12 જુલાઈ 2019 (09:00 IST)
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રમાણિક, મહેનતું અને સચ્ચાઇને વરેલાં ખેડૂતો જે ધિરાણ મેળવે છે તે પરત કરે છે. ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને દેશભરમાં તેમને બદનામ કરવાનું બંધ કરવું જોઇએ. 
 
રાજ્ય વિધાનસભામાં સન-૨૦૧૮ના ગુજરાત ખેડૂત દેવા માફી અંગેના બિન સરકારી વિધેયકની ચર્ચામાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અગાઉ યુ.પી.એ. સરકારે રૂ.૭૨ હજાર કરોડના કૃષિ દેવાની માફી આપી હતી. છતાં ખેડૂતો ફરીથી દેવાદાર કેમ બને છે? એવો વેધક સવાલ ઉઠાવીને જણાવ્યું હતું કે, ખેડૂતોને જે જે સુવિધાઓ સમયસર મળવી જોઇએ તે સુવિધા અગાઉની સરકારે સમયસર પૂરી પાડી નથી. જેના પરિણામે ખેડૂતોની સ્થિતિ કથળી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની કૃષિલક્ષી નીતિઓના કારણે ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ બન્યા છે.
 
કેટલાંક લોકોની દેવા માફીની વાત ઉપર પીન ચોંટી ગઇ છે, એવી માર્મિક ટકોર કરતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, લોકોએ ધિરાણ અને દેવા વચ્ચેનો તફાવત સમજવો જોઇએ. પોતાની આવશ્યકતા અનુસાર ખેડૂતો લોન મેળવે એટલે દેવાદાર કહેવાય નહીં. ધિરાણ પરત કરવામાં અસમર્થ ખેડૂતો દેવાદાર કહેવાય અને ગુજરાતના ૯૫ ટકા ખેડૂતો સમયસર કૃષિ ધિરાણ પરત કરે છે. આવા નિષ્ઠાવાન ખેડૂતોને દેવાદાર કહીને બદનામ કરનારાઓએ રાજ્યના ખેડૂતોના હિતમાં આવી પ્રવૃત્તિઓ બંધ કરવી જોઇએ.
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ હતું કે, ગુજરાતના પ્રમાણિક ખેડૂતો પ્રતિ વર્ષ રૂા.૪૫ હજાર કરોડથી વધુનું ટૂંકી મુદતનું ધિરાણ લે છે અને ૯૫ %  ખેડૂતો આ ધિરાણ સમયસર ભરપાઇ પણ કરી દે છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યના ખેડૂતોએ સહકારી અને રાષ્ટ્રિયકૃત બેંકોમાંથી વર્ષ ૨૦૧૪-૧૫માં જે ધિરાણ લીધી હતું તે ૮૯.૬૦ % પરત કર્યુ હતું. એ જ રીતે વર્ષ ૨૦૧૫-૧૬માં ૯૫.૮૭  % ધિરાણ, વર્ષ ૨૦૧૬-૧૭માં ૯૫.૪૬ ટકા, વર્ષ ૨૦૧૭-૧૮માં ૯૪.૬૧ ટકા તથા વર્ષ ૨૦૧૮-૧૯માં જે ધિરાણ લીધુ હતું તે પૈકી ૯૫.૭૦ ટકા ધિરાણ ખેડૂતોએ સમયસર ભરપાઇ કર્યુ હતું. આવા નિષ્ઠા ધરાવતા ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને શુ કામ બદનામ કરવામાં આવે છે એ મને સમજાતું નથી તેમ તેમણે ઉમેર્યુ હતું.
 
નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતોને કૃષિલક્ષી સુવિધા અને ધિરાણ સુવિધા સમયસર મળી રહે અને કૃષિ વિકાસ લક્ષી વાતાવરણ સર્જાય તો મહેનતું ખેડૂતોની આર્થિક સ્થિતિ આપોઆપ સુધરે અને કોઇ ખેડૂતની આર્થિક સ્થિતિ કથળે નહી તેમ ભારપૂર્વક જણાવ્યુ હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્કૂલવાન, સ્કૂલ બસ અને સ્કૂલ રિક્ષાના અકસ્માતો ઘટાડવા સરકારની મહત્વપૂર્ણ જાહેરાત