રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઇ ચૂકી છે. ત્યારે કોંગ્રેસને સૌરાષ્ટ્રના ધારાસભ્યો તૂટવાનો ડર લાગતા સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યોને એક સમયે નારાજ થઈને રાજીનામુ આપનારા ઈન્દ્રનીલ રાજ્યગુરૂના રિસોર્ટમાં બોલાવવામાં આવ્યાં છે. છેલ્લા 2 દિવસમાં કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. ત્યારે વધુ કોંગ્રેસના ધારાસભ્ય ન તૂટે તે માટે નવી રણનીતિ ઘડાઈ રહી છે.
સૌરાષ્ટ્રના ધારાસભ્યોની જવાબદારી અર્જૂન મોઢવાડિયા અને પરેશ ધાનાણીને સોંપવામાં આવી છે. હાલ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા સહિત 5 ધારાસભ્યો નિલસીટી ક્લબ ખાતે પહોંચી ગયા છે. જ્યારે સાંજ સુધીમાં બીજા ધારાસભ્યો પહોંચી જાશે. જો કોઈ ધારાસભ્યને બહાર જવુ હશે તો પાર્ટીની મંજૂરી લેવી પડશે. ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપતા કહ્યું કે અમે ભાજપમાં જવાના નથી અને હવે કોંગ્રેસમાં કોઈ નેતા નારાજ પણ નથી. જ્યારે લલિત કગથરાએ કહ્યું કે ભાજપ નામનો વાયરસ છે. આ વાયરસ અમારા ધારાસભ્યને બધુ આપીને લઈ જાય છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યોને ઈન્દ્રનીલ રાજ્યગુરૂના રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યોને બોલાવવામાં આવતા સ્થાનિક કોંગ્રેસના આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે. જેથી અનેક સવાલો થઈ રહ્યાં છે કે શું સૌરાષ્ટ્રમાં એક પણ ધારાસભ્ય એવા સક્ષમ નથી કે જે ધારાસભ્યોને સાચવી શકે? વિરોધપક્ષના નેતા પણ સૌરાષ્ટ્ર ના છે, અનેક કદાવર નેતાઓ કોંગ્રેસમાં છે. તો શું પ્રદેશ કોંગ્રેસના નેતાઓને આ નેતાઓ પર ભરોસો નથી? એક સમયના નારાજ ઇન્દ્રનીલ સિવાય સૌરાષ્ટ્રમાં બીજો કોઈ વિકલ્પ નથી? જેવા અનેક સવાલો ઉઠી રહ્યાં છે.