ભારતમાં એક દિવસમાં કોરોના વાઇરસના સંક્રમણ અને એનાથી થયેલાં મૃત્યુની સંખ્યામાં વિક્રમી વધારો થયો છે.પાછલા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના 9,887 કેસ સામે આવ્યા છે. ત્યાં જ 294 લોકોનાં મોત થયાં છે. આની સાથે જ દેશમાં સંક્રમણના કુલ કેસ બે લાખ 36 હજારને પાર પહોંચી ગયા છે અને અત્યાર સુધી કુલ 6,642 લોકોનાં મોત થયાં છે.
સ્વાસ્થ્યમંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડામાં જણાવાયું છે કે કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં એક લાખ 14 હજાર લોકો સ્વસ્થ પણ થયા છે. આ આંકડા સાથે ભારત કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ઇટાલીને પાછળ મૂકીને છઠ્ઠા ક્રમે આવી ગયું છે. કોરોના વાઇરસના સંક્રમણને લીધે ગુજરાતમાં અત્યાર સુધીમાં 1190 લોકોનાં મૃત્યુ થયાં છે.
શુક્રવારે સાંજે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં 510 પૉઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી સૌથી વધારે 324 કેસ અમદાવાદમાં, 67 કેસ સુરતમાં, 45 કેસ વડોદરામાં તથા 21 કેસ ગાંધીનગરમાં નોંધાયા હતા. જેની સામે 24 કલાકમાં રાજ્યભરમાંથી 344 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે 35 લોકોનાં મૃત્યુ થયાં હતાં. રાજ્યમાં હાલ કુલ ઍક્ટિવ કેસોની સંખ્યા 4,918 છે.
બ્રિટનની દવાઉત્પાદક કંપની ઍસ્ટ્રાઝૅનેકાએ કોરોના વાઇરસની સારવાર માટે તૈયાર કરેલી સંભવિત રસીનું ઉત્પાદન શરૂ કરી દીધું છે.
જોકે આ રસી હજુ પહેલા તબક્કાના પરીક્ષણમાં જ સફળ સાબિત થઈ છે. કંપનીએ ઑક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સાથે મળીને આ રસીને વિકસિત કરી છે અને હાલ એની ટ્રાયલ ચાલી રહી છે. પરંતુ કંપનીના માલિક પાસ્કલ સૉરિએટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ઍસ્ટ્રાઝૅનેકાનું માનવું છે કે અમારે અત્યારથી જ આ રસીના ઉત્પાદનનું કામ શરૂ કરી દેવું જોઈએ જેથી જ્યારે આ રસી દરેક ટ્રાયલમાં અસરકારક સાબિત થઈ જાય તો અમે એની માગ વધતાં એને પહોંચી વળાય.
ઍસ્ટ્રાઝૅનેકા કંપનીનું કહેવું છે કે તે આ રસીના બે અબજ નમુના સપ્લાય કરવા માટે સક્ષમ હશે.
પાસ્કલ સૉરિએટે બીબીસી સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું, "અમે એ જોખમની જાણકારી સાથે આગળ વધી રહ્યા છીએ કે જો વૅક્સિન અસરકારક સાબિત ન થઈ તો અમારે એની ઘણી મોટી આર્થિક કિંમત ચૂકવવી પડી શકે છે કારણ કે આ દરમિયાન અમે જે પણ કંઈ તૈયાર કરીશું અંતે એ બધું નકામું સાબિત થઈ જશે."