એક તરફ આરટીઓ કડક નિયમો બતાવે છે અને બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના રાજકારણીઓ સરેઆમ તેનું હનન કરે છે. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ચૂંટણી જીતવા માટે બંને પક્ષના મોટા નેતાઓ કોઈ પણ હદે જવા તૈયાર છે.
જસદણમાંથી ભાજપે બાઇક રેલી કાઢી ત્યારે ભાજપના જ નેતાઓએ પોલીસની હાજરીમાં તમામ નિયમોનો ભંગ કર્યો હતો. ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યુ નહતુ. તેમની સાથે બાઇક રેલીમાં જોડાયેલા ભાજપના નાના-મોટા કાર્યકરો અને આગેવાનોએ પણ હેલ્મેટ પહેર્યા નહોતા અને બાઇક રેલી કાઢી હતી. ઉપરાંત આ રેલીમાં ભાજપના કેટલાક આગેવાનો કાર લઈને જોડાયા હતા. તેઓએ પણ સીટ બેલ્ટ બાંધ્યો નહોતો એટલું જ નહીં કેટલીક કારની ઉપર ભાજપના કાર્યકરો બેસી ગયા હતા.
ભાજપે જસદણમાંથી વિશાળ બાઈક અને કાર રેલી કાઢી ત્યારે ટ્રાફિક જામ થઇ ગયો હતો. ટ્રાફિક તેમજ અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં નિયમોનો છડેચોક ભંગ કરાયો હોવા છતાં ભાજપના નેતા કે કાર્યકર વિરુદ્ધ કોઈ પગલાં લેવાયા નથી. અગાઉ તાજેતરમાં જ અમદાવાદમાં ભાજપની એક રેલીમાં અમદાવાદના ભાજપના શહેર પ્રમુખ જગદીશ પંચાલે પણ હેલ્મેટ પહેર્યા વગર બાઈક ચલાવી ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હતો.
હાલમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ટ્રાફીકનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની ઝુંબેશ ચાલી રહી છે. ટ્રાફિક પોલીસ સામાન્ય નાગરિકો પાસેથી દંડ વસૂલે છે અને ઘણા કિસ્સાઓમાં દંડને બદલે મોટો તોડ કરી લે છે પરંતુ ભાજપના મોટા નેતાઓ જાહેરમાં ખુલ્લેઆમ અને સમૂહમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા હોવા છતાં તેમની સામે કોઈ પ્રકારની કાર્યવાહી કરાતી નથી.