Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટમાં જ્યોતિષના કારણે બે વર્ષ પૂર્વે થયેલી હત્યાના આરોપીઓ ઝડપાયા

રાજકોટમાં જ્યોતિષના કારણે બે વર્ષ પૂર્વે થયેલી હત્યાના આરોપીઓ ઝડપાયા
, મંગળવાર, 4 જૂન 2019 (16:12 IST)
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને કારખાનામાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતાં વિપ્ર યુવકની બે વર્ષ પૂર્વે હત્યા કરવામાં આવી હતી. યુવકને તેના કારખાનાના માલિક સહિતના શખ્સોએ 25 લાખના મુદ્દે માર મારી હત્યા કરી હોવાનું ખૂલતા પોલીસે ચાર શખ્સને સકંજામાં લીધા હતા. જેમાંથી  એક શખ્સ બેંગ્લોર નાસી ગયો હોય તેની શોધમાં પોલીસની એક ટીમ રવાના થઇ ગઇ હતી. બેકબોન રેસિડેન્સી પાસેના શ્રી એપાર્ટમેન્ટમાં રહેતો અને પટેલનગરમાં આવેલા શિવમ કાસ્ટોપ્લાસ્ટ નામના કારખાનામાં નોકરી કરતો વ્રજેશ વિજયભાઇ જોષી (ઉ.વ.28) ગત તા.24 એપ્રિલ 2017ના ઘરેથી નીકળ્યા બાદ લાપતા થઇ ગયો હતો.
બે વર્ષથી વ્રજેશના વિકલાંગ માતા પિતા પુત્રની બે વર્ષથી રાહ જોઇ રહ્યા હતા. પરંતુ ત્રણેક દિવસ પૂર્વે જ તેમને જાણ થઇ હતી કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે. વ્રજેશ જે કારખાનામાં કામ કરતો હતો તે કારખાનાના ભાગીદાર પ્રકાશ પેટલિયા અને તેના સાળા કલ્પેશ સહિતના શખ્સોએ વ્રજેશનું અપહરણ કરી કારખાનામાં ઢોર માર મારી પતાવી દીધો હતો. યુવકની હત્યા કર્યા બાદ લાશ લઇને આરોપીઓ ચોટીલા નજીક ઝરિયા મહાદેવ મંદિર નજીકના જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા. જો કે ત્યાં લાશ સળગાવીને નિકાલ કરવાનો તેનો ઇરાદો કામ આવ્યો નહોતો.
ચોટીલા પોલીસે તત્કાલીન સમયે અજાણ્યા યુવકની હત્યા અંગે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો, બીજી બાજુ વ્રજેશની હત્યા બાદ કારખાનેદાર અને તેના ભાગીદારોની સ્થિતિ પલટાઇ હતી અને તેઓ આર્થિક પાયમાલ થઇ ગયા હતા. આર્થિક કંગાળ બનેલા આરોપીઓ જ્યોતિષના શરણે ગયા હતા અને તેની સલાહ મુજબ મૃતક વ્રજેશની સરાવણુંની વિધિ પણ પ્રાંચીમાં કરાવી હતી, પરંતુ મૃતકના પરિવારજનોના હસ્તે જ વિધિ થાય તો કલ્યાણ થાય તેવા જ્યોતિષના માર્ગદર્શન બાદ આરોપીઓએ વ્રજેશના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો અને હત્યાનો ભેદ ઉકેલાયો હતો. 
સમગ્ર મામલો ક્રાઇમ બ્રાંચ સુધી પહોંચતા પીઆઇ એચ.એમ.ગઢવી અને પીએસઆઇ જોગરાણા સહિતની ટીમે પ્રકાશ તથા તેના સાળા કલ્પેશ સહિત ચાર શખ્સને ઉઠાવી લીધા હતા, હત્યામાં સંડોવાયેલો એક શખ્સ બેંગ્લોર નાસી ગયાની હકીકત મળતાં પોલીસની એક ટીમ બેંગ્લોર દોડી ગઇ હતી અને આગામી ગણતરીની કલાકોમાં પોલીસ દ્વારા આ સનસનીખેજ હત્યાના પર્દાફાશની વિધિવત જાહેરાત કરવામાં આવશે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાંચો એક વૃક્ષ પ્રેમીની કહાની, એકલા હાથે બે લાખ વૃક્ષ વાવીને ઉછેર્યાં