ગુજરાતમાં ભારે વરસાદઃ જૂનાગઢમાં 10 ગામ સંપર્ક વિહોણા, ભરુચમાં જનજીવન અસ્તવ્યસ્ત
, શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (12:30 IST)
છેલ્લા પાંચ દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેધરાજા બેટીંગ કરી રહ્યા છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં સૌથી વધુ વરસાદ વ્યારા, માંડવી અને પલસાણામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા હતા.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારા, સુરત જિલ્લાના માંડવી અને પલસાણામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરત જિલ્લાના ચોર્યાસી અને ડાંગ જિલ્લાના વઘઈમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જ્યારે દક્ષિણ ગુજરાતના 10 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.ભરૂચ શહેરના વેપાર-ધંધાથી ધમધમતાં ચાર રસ્તા, ફૂરજા, ગાંધીબજાર, દાંડિયાબજાર સહિતના વિસ્તારોમાં પુરના પાણી ભરાતાં હાલમાં કુદરતી કરફ્યૂનો માહોલ જોવા મળી રહ્યો છે.
નર્મદા નદીએ 32 ફૂટને આંબી ગયાં બાદ હાલમાં તેમાં સામાન્ય ઘટાડા સાથે 31.25 ફૂટે પહોંચી છે. ત્યારે નર્મદા ડેમમાંથી હજી પણ પાણી છોડાઇ રહ્યું હોવા સાથે પુનમની ભરતીને લઇને સ્થિતી વધુ વિકટ બને તેવા એંધાણ સર્જાયાં છે. હાલમાં શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી ભરાતાં 5 હજારથી વધુ લોકો પોતાના જ ઘરોમાં કેદ થયાં છે.
જિલ્લામાં છેલ્લા 15 દિવસ પડી રહ્યો છે. તેમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં ખુબ વરસાદ પડયો છે. ઓઝત બે કાંઠે વહી રહી છે. ઓઝતનું પાણી ઘેડ પંથકમાં પહોંચ્યું છે. જેનાં કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઇ ગયું છે. ઘેડનાં લોકો બેઘર થઇ ગયાં છે. પુરની સ્થિતિ ઓસરતાં ઘેડની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે. આજે પણ ઘેડનાં અનેક ગામડાઓનાં જવાનાં રસ્તે પાણી ભરેલા છે.
એટલું જ નહીં ઘેડનાં ગામડાઓમાં ગોઠણ-ગોઠણ સુધી પાણી છે. કેશોદ, માંગરોળ અને માણાવદરનાં અનેક ગામો હજુ પાણીમાં ગરકાવ છે. કેશોદનાં બામણાશા, મધડા, મુળીયાસા, અખોદર, સરોડ, પાડોદર, પંચાળા, બાલાગામ, બાંટવાનાં કડેગી, અમીપુર, ઘેડ બગસરા, હંટરપુર, ફુલેરા સહિતનાં ગામોમાં પાણી ભરેલા છે.
તેમજ આ ગામો બે દિવસથી સંપર્ક વિહોણા છે. ઓઝત, મધુવંતી, ઉબેણ, સાબલી નદીએ ઘેડ પંથકને ઘમરોળી નાંખ્યો છે. ઘરોમાં પાણી ભરેલા હોય લોકોએ છતનો આશરો લેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઘેડનાં 24 ગામ આપત્તી જનક છે. જેમાંથી 10 ગામો હજુ સંપર્ક વિહોણા છે. આ વિસ્તારમાં હજુ ગોઠણડુબ પાણી ભરેલા છે.
ઘેડનાં ગામડાઓનાં ઘરોમાં ગોઠણ સુધી પાણી ભરાઇ ગયાં છે. લોકો પાણી ઉલેચીને કયાં નાંખે. મગફળીનાં ખેતરોમાં ગોઠણસુધી પાણી પાણી ભરાઇ ગયાં છે. મગફળીનો પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઇ રહી છે. મુંગા પશુઓની હાલત કફોડી બની છે. ત્યારે પશુ માલિકો સંઘર્ષ કરી રહ્યાં છે.
ઘેડનાં માર્ગો પર હાલ વાહન વ્યવહાર બંધ છે. લોકો ઉંટગાડીનો સહારો લઇ રહ્યાં છે. હાલ અહીં અન્ય વાહન ચાલી શકે તેમ નથી. ઘેડનાં અનેક ગામડાઓમાં હજુ પણ પાણી ભરેલા છે. લોકો ગોઠણડુબ પાણીમાં અવર-જવર કરી રહ્યાં છે.
આગળનો લેખ