આજે સવારે ચાર કલાકમાં રાજ્યના 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 196 તાલુકાઓમાં મેઘ મહેર થઈ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
28મી જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાશે.જેની અસરને પગલે ગુજરાતને સારો વરસાદ મળવાની સંભાવના છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રખાયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્ચના 196 તાલુકામાં ચોમાસાની જમાવટ થઈ છે, જેમાં સૌથી વધુ વરસાદ વડોદરા, પંચમહાલ,ભાવનગર,સુરત, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, બનાસકાંઠા અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9 મી.મી સુધીનો વરસાદ ખાબક્યો છે.
આજે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.