છેલ્લા 72 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે સુરતમાં ખાડી વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું. જો કે રવિવારે રાજ્યમાં કચ્છ , ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ઝીંકાયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ નરમ પડ્યો છે. રવિવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં 158 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં 28 તાલુકાઓ એવા છે કે જેમાં 1થી5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. કચ્છમાં માંડવીમાં 5 ઈંચ, મુદ્રામાં 5 ઈંચ અને ગાંધી ધામમાં અઢી ઈંચ વરસાદ થયો હતો.
વલસાડના ધરમપુરમાં 3 ઈંચ, બનાસકાંઠાના દિયોદરમાં 2.6 ઈંચ, ખંભાતમાં 3 ઈંચ, ભીલોડામાં 2 ઈંચ, ખંભાળિયામાં 2 ઈંચ, સાબરકાંઠાના પોશીનામાં 2 ઈંચ, દાંતામાં 1.4 ઈંચ, ધોરાજીમાં 1 ઈંચ વરસાદ થયો હતો.ગત રોજ રાજ્યમાં 201 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જે પૈકી કપરાડામાં લગભગ 7 ઈંચની નજીક વરસાદ થયો હતો. બીજા ક્રમે ડાંગના વઘાઈમાં 5 ઈંચ, મહેસાણાના ઊંઝામાં 4 ઈંચ, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ ઝીંકાયો હતો. આ સાથે રાજયમાં 82 તાલુકાઓ એવા છે કે જેમાં રાજયમાં 7ઈંચથી લઈને 1 ઈંચ જેટલો વરસાદ થયો હતો.રાજ્યમાં ચોમાસાની મોસમમાં તા.15મી ઓગસ્ટ સુધીમાં 77.23 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં 122.18 ટકા , ઉત્તર ગુજરાતમાં 54.15 ટકા, મધ્ય – પૂર્વમાં 59.97 ટકા, સૌરાષ્ટ્રમાં 111.60 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 66.57 ટકા વરસાદ પડી ચૂક્યો છે. હવામાન ખાતાની આગાઈ મુજબ તા.16મીથી 20 મી ઓગષ્ટ સુધી દરિયો તોફાની રહેવાની શકયતા હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે. 19 ઓગસ્ટના કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અન્ય જિલ્લામાં પણ વરસાદ રહેશે. જોકે આગામી 5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે તા.16મીથી 20 મી ઓગષ્ટ સુધી દરિયો તોફાની રહેવાની શકયતાને પગલે માછીમારોએ દરિયો ખેડવા જવું નહીં. આ દિવસો દરમ્યાન દક્ષિણ ગુજરાતના સાગરકાંઠે પ્રતિ કલાકના 45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે 18મી ઓગસ્ટ સુધીમાં સાગરકાંઠે 3.5 મીટરથી 4.6 મીટર ઊંચા મોજા પણ ઉછળે તેવી સંભાવના છે.