ગુજરાતની તમામ બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. કોઈપણ પ્રકારના નશીલા પદાર્થો ગુજરાતમાં ઘૂસાડાતા અટકાવવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. તે ઉપરાંત રાજ્યમાં પ્રવેશતા લોકોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આજે વલસાડમાં 900થી વધુ નબીરાઓને પકડીને પોલીસે કાર્યવાહી કરી છે. ત્યારે અમદાવાદની પોલીસે શહેરીજનોને ખાસ વોર્નિંગ આપી છે. ન્યૂ યર પહેલાં પોલીસે ટ્વિટ કરીને અમદાવાદીઓને કહ્યું છે કે, અમારી મહેમાનગતિથી સાવચેત રહેવું.જોખમી ડ્રાઈવ, દારૂ પીધેલા ડ્રાઈવર્સ, નિયમો તોડનારાઓ માટે ફ્રી એન્ટ્રી. DJ લોકઅપ દ્વારા સ્પેશ્યલ પરફોર્મેન્સ તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યું છે.
અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન પંચવટી ચાર રસ્તાથી સ્ટેડિયમ ચાર રસ્તા સુધી સીજી રોડ તમામ પ્રકારના વ્યવહાર માટે બંધ રહેશે. એસ.જી હાઈવે પર મોડી સાંજથી બારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે તેને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.પકવાનથી સાણંદ ક્રોસ રોડ સુધીનો રોડ પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ અંગે ટ્રાફિક વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.ડ્રગ્સ અને દારૂ પીધેલાઓને પકડવા માટે પોલીસે સમગ્ર રાજ્યમાં 3000 બ્રેથ એનેલાઈઝર્સ ડિપ્લોય કર્યાં છે. ડ્રગ્સનું સેવન અને હેરાફેરી ન થાય તે માટે પોલીસનું સઘન ચેકિંગ ચાલુ છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં પોલીસને ડ્રગ્સનું સેવન કરનારાની ઓળખ કરવા માટે સલાઈવા ડિટેક્શન કિટ પણ આપવામાં આવી છે. સ્થળ પર જ 3-4 મિનિટમાં જ આ કિટ રિપોર્ટ આપશે. રાજ્યના દરેક જિલ્લામાં 7000 ટ્રાફિક કેમેરા લાગ્યા છે. જેનું જિલ્લા અને ગાંધીનગરમાં કંટ્રોલરૂમમાંથી મોનિટરિંગ કરાય છે.
DGP વિકાસ સહાયે પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્યના 700માંથી 600 પોલીસ સ્ટેશનમાં SHE ટીમની રચના કરવામાં આવી છે. જે આજે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી યુવતીઓની સલામતી સુનિશ્ચિત કરશે. આ સાથે દરેક પોલીસ સ્ટેશનમાં એક વુમન હેલ્પ ડેસ્કની રચના કરવામાં આવી છે. આજે સાંજે પ્રોહીબિશનની ખાસ ડ્રાઈવ રાખવામાં આવી છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ પકડવા દરેક અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. દરેક જિલ્લામાં વાહન ચેકિંગ, નાકાબંધી અને ફાર્મ હાઉસની ચેકિંગ માટે વ્યવસ્થા કરાઈ છે.