હાલમાં દેશભરમાં એક ચર્ચાએ ભારે કરી મુકી છે. દિલ્હી સહિત ઉત્તર પ્રદેશમાં મહિલાઓના ચોટલાં કાપવાના બનાવો માધ્યમોમાં પ્રકાશિત થઈ રહ્યાં છે અને આવું કોણ કરી રહ્યું છે તે હજી સુધી જાણી શકાયુ નથી. ત્યારે આવી એક ઘટના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં બનવા પામી છે. માણસા તાલુકાનાં માણેકપુર ગામે 60 વર્ષીય મહિલાનાં વાળ કપાઇ જવાની ઘટના સામે આવી છે. પરંતુ વાળ કોણે કાપ્યા તે જાણી શકાયું નથી.
માણસા પોલીસે મહિલાની અરજી લઇને આ દિશામાં તપાસ હાથ ધરી છે. માણેકપુર ગામે રહેતા દેવુબેન ઠાકોર તથા તેમનાં પતિ ખોડાજી રવિવારે સાંજે ઘરની બહાર સૂઈ રહ્યાં હતાં. ત્યારે 9 વાગ્યાનાં અરસામાં અચાનક દેવુબેનને કોઇએ વાળ પકડીને તીવ્ર ઝટકાથી ખેંચ્યાનો અનુભવ થતાં જાગી ગયા હતા. ગભરાયેલી હાલતમાં પાસેનાં સંબંધીનાં મકાન તરફ દોડી મૂકી હતી. નવાઇની વાત એ હતી કે દેવુબેન ભાગ્યા અને આસપાસ જોયું તો કોઇ જોવા મળ્યું નહોતું. ત્યારે વાળ કોણે ખેંચ્યા તે વાતે ભયભીત થઇ ગયાં હતાં. દેવુબેને માથામાં દુ:ખાવો થવા લાગતા વાળમાં હાથ ફેરવતા હાથમાં વાળનો ગૂચ્છો આવી ગયો હતો. દિલ્હીનાં છાવલા, પાલમ અને ગુડગાવ વિસ્તારમાં પણ થોડા દિવસો પહેલા 4 મહિલાનાં ચોટલા કાપવાની ઘટનાઓ સામે આવી હતી. પોલીસને મહિલાઓ ખોટું બોલી રહી હોવાનું લાગતા સાઇકિયાટ્રિસ્ટોએ આવી મહિલાઓનું કાઉન્સિલિંગ કરીને મહિલાઓ ખોટું ન બોલી રહી હોવાની માહિતી આપી હતી. જેના કારણે પોલીસ ગૂંચવણમાં મુકાઇ ગઇ છે અને ફોરેન્સિક એક્સપર્ટની મદદ માંગી હતી. પોલીસ વિસ્તારમાં તો ચોટલો કપાયા તેનાં સીટીવીવી ફૂટેજ પણ જોવા મળ્યા હતા પરંતુ આજુબાજુ કોઇ શંકાસ્પદ વ્યક્તિ દેખાઇ નહોતી. દેવુબેન ઠાકોર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ઊંઘમાં અચાનક વાળ ખેંચાયાનો ઝાટકો લાગતા માથામાં પણ દુખાવો થવા લાગ્યો હતો અને આસપાસ પણ કોઇ ન જોવા મળતા બૂમાબૂમ થઇ ગઇ હતી અને આસપાસથી લોકો ભેગા થઇ ગયા હતા. આવું કેવી રીતે બન્યું તે જ સમજાતુ નથી