વાપી જીઆઇડીસીની એક કંપનીમાં ચાર બાળકોને સંચાલક સહિત ચાર લોકોએ અર્ધનગ્ન કરી અંડર વિયર ઉપર હાથ બાંધીને ઢોર માર મારતાનો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયો એસપી સુધી પહોંચતા તપાસ કરાવી કંપનીના ચાર ઇસમો સામે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાપી જીઆઇડીસી થર્ડ ફેસ બેન્ક ઓફ બરોડાની બાજુમાં એક કંપનીમાં નોકરી કરતા કિશોર નામના યુવકે ગુરૂવારે વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, 25 જાન્યુઆરીના રોજ તેઓ નોકરી ઉપર કંપનીમાં હાજર હતા. તે દરમિયાન કંપની નજીક રીક્ષા પાર્ક કરતા ચાલકે તેમને જણાવેલ કે, તેમના છોકરા તથા બીજા ત્રણ છોકરાઓને નજીકમાં આવેલ નીહાલ એન્જીનીયરીંગ કંપનીમાં અમુક માણસોએ ગોંધી રાખી, દોરડાથી હાથ પગ બાંધી, બેલ્ટ તથા પ્લાસ્ટિકના પાઇપથી માર મારી રહ્યા છે.
કિશોરભાઇ તાત્કાલિક કંપનીમાં પહોંચતા ત્યાં તેમનો 16 વર્ષીય છોકરો તથા બીજા ત્રણ નાની ઉમરના છોકરાઓના કપડા કઢાવી ફક્ત અન્ડરવીયર ઉપર રાખી તેઓના બંને હાથ પાછળના ભાગે દોરડાથી બંધાવી બેલ્ટ તથા પ્લાસ્ટિકના પાઇપ વડે કંપનીના માણસો ડરાવી ધમકાવી માર મારતા હોય અને ફરિયાદીનો છોકરો તથા બીજા ત્રણ છોકરાઓ ખુબજ ડરી ગયા હોવાથી રડીને છોડી દેવાની આજીજી કરી રહ્યા હતા.
તે જગ્યાએ નીહાલ કંપનીના બે સંચાલક તથા અન્ય બે માણસો હાજર હતા. જેમણે જાણકારી મળી હતી કે, આ ચારેય બાળકોએ કંપનીમાંથી ભંગારની ચોરી કરેલાની શંકાના આધારે તેઓને માર મરાય છે. જેથી તેઓને રીકવેસ્ટ કરી તમામ બાળકોને છોડી દેવા જણાવતા ફરી વખત ચોરી નહી કરવાની બાંહેધરીએ એક કલાક પછી તમામને છોડી દેવાયો હતો. જે બાદ તમામને કપડા પહેરાવી ફરિયાદી તેઓને ઘરે મોકલી દેવા બાદ ડરથી પોલીસ પાસે ફરિયાદ કરવા ગયો ન હતો.
મળેલી માહિતી મુજબ બાળકોને અંડરવિયર પર બાંધીને માર મારતાનો વીડિયો વાયરલ થતા આ વીડિયો જિલ્લા એસપી સુધી પહોંચ્યો હતો. જેથી તેની ચકાસણી કરાવી ચારેય પૈકી એક બાળકના પિતાને સંપર્ક કરી માર મારનારા ચાર ઇસમો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
નીહાલ કંપનીના સંચાલકો તેમજ અન્ય બે માણસોએ ચારેય બાળકો ઉપર ચોરીની શંકા રાખી પોલીસને જાણ કર્યા વગર પોતે જ બાળકો પ્રત્યે ક્રુરતા દાખવી તેમના બંને હાથ દોરડા વડે બાંધીને ચડ્ડી ઉપર રખાવી માર મારીને કાયદો હાથમાં લેતા તેઓ સામે પોલીસે આઇપીસી કલમ 323, 342 અને 34 મુજબ તેમજ કિશોર ન્યાય અધિનિયમ કલમ 75 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.