ગુજરાતમાં આગામી ઉનાળામાં પીવાના અને સિંચાઇના પાણીની કારમી તંગી પડવાની છે તેથી સરકારે આગોતરૂં આયોજન કરી નર્મદા કેનાલના પાણીને પીવા માટે અનામત કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતના મુખ્ય જળાશયોમાં માત્ર 40 થી 45 ટકા પાણી બચ્યું હોઇ સરકારે પાણી બચાવોની ઝૂંબેશ શરૂ કરી છે. નર્મદામાંથી પાણી લેતાં ખેડૂતોને પણ નોટીસો આપવાનું શરૂ કર્યું છે. સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી નર્મદાની કેનાલોમાંથી ગેરકાયદે પાણી ખેંચતા ખેડૂતોને નોટીસો આપવાની શરૂ કરી છે. નિગમે જાહેર કર્યું છે કે કેનાલમાં બકનળી, ડીઝલ પમ્પ કે ઓઇલ પંપ રાખવામાં આવ્યા હોય તો તેને તત્કાલ હટાવી લેવા અન્યથા ખેડૂતોને નુકશાન સહન કરવું પડશે. આગામી ત્રણ દિવસમાં આવા ગેરકાયદે પમ્પ હટાવી લેવા નહીં તો નિગમ તરફથી જે કાર્યવાહી થશે તેની જવાબદારી ખેડૂતોની રહેશે. આ ઉનાળામાં ખેડૂતોને કેનાલમાંથી સિંચાઇના પાણી મળી શકે તેમ નથી.ખેડૂતોને બોર અને કુવાનો ઉપયોગ કરવાની સૂચના ગુજરાત સરકારે અગાઉ આપી છે.ગુજરાતમાં મધ્યપ્રદેશ નર્મદાના પાણી છોડી શકે છે પરંતુ તે રાજ્યમાં ચૂંટણી હોવાથી મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતને પાણી આપવાના મતના નથી. સરકારે કેન્દ્રને દરમ્યાનગીરી કરવી પડે તેવી નોબત આવી છે. રાજ્યના બીજા નાના મોટા જળાશયોમાં પણ પાણીના સ્ત્રોત ઘટતાં ઉનાળામાં જળસંકટ સર્જાય તેવી સંભાવના છે. સરકારમાં સિંચાઇ અને પીવાના પાણી અંગે ઓફિસરોની સંખ્યાબંધ મિટીંગો ચાલી રહી છે.