Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે આંગળીના ટેરવે જાણી શકાશે પાણી પુરવઠા વિભાગની કામગીરીની વિગતો

હવે આંગળીના ટેરવે જાણી શકાશે પાણી પુરવઠા વિભાગની કામગીરીની વિગતો
, ગુરુવાર, 9 જુલાઈ 2020 (11:33 IST)
ગુજરાત સરકારના પાણી પુરવઠા ખાતાના મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે આજે તેમના કાર્યાલય ખાતેથી પાણી પુરવઠા વિભાગના સોશિયલ મીડિયા પ્રોફાઇલનું લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું. રાજ્યના નાગરિકોને ઘરે બેઠા આ વિભાગની કામગીરી તથા તેમને લગતી યોજનાઓ સહિતની અનેકવિધ ઉપયોગી વિગતો મળી રહે અને આ વિભાગ સાથે લોકોને સીધા જોડવાના મુખ્ય હેતુસર ઇલેકટ્રોનિક સંચાર વ્યવસ્થાનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા પ્રોફાઇલ લોન્ચ કરવામાં આવી છે.
 
ભારત સરકાર દ્વારા આગામી પાંચ વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં દરેક ઘરને નળ કનેક્શન થકી પાણી પુરવઠો આપવાના હેતુથી ‘‘હર ઘર જલ’’ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સરકારે આ  લક્ષ્યાંક ત્રણ વર્ષમાં પુર્ણ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હોવાનું કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે.
 
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૯૩ લાખ ઘર આવેલા છે. જે પૈકી હાલમાં ૬૭ લાખ ઘરને નળ જોડાણ આપી દેવામાં આવ્યા છે. બાકી રહેતા ૨૬ લાખ ઘરને તબક્કાવાર આગામી ત્રણ વર્ષમાં નળ જોડાણ આપવાનું આયોજન છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૧ લાખ ઘરને આવરી લેવાના લક્ષ્યાંક સામે પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં પણ જુન માસના અંત સુધીમાં બે લાખ જેટલા ઘર જોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
 
‘‘હર ઘર જલ’’ યોજનાને સાકાર કરવા માટે પીવાના પાણીના સોર્સ દરેક ગામે ઉપલબ્ધ બને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા રૂા.૨૦ હજાર કરોડના પ્રોજેક્ટ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવા નિર્ધાર કર્યો છે.
 
પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂા.૧૨૪૫ કરોડના ૧૬ પ્રોજેક્ટ ટૂંક સમયમાં પુર્ણ કરવાનું આયોજન છે. એટલું જ નહીં વડોદરા, સાબરકાંઠા, પંચમહાલ, સુરત સહિતના જિલ્લાઓ માટે રૂા.૩૬૪૫ કરોડની કિંમતના ૨૧ પ્રોજેક્ટના કામો પ્રગતિ હેઠળ છે. ઉપરાંત સુરત, પંચમહાલ, વલસાડ અને ખેડા માટે રૂા.૨૪૪૧ કરોડના પ્રોજેક્ટ મંજૂરી હેઠળ છે. 
 
ઉનાળાના સમયમાં પ્રવર્તમાન કોવિડ-૧૯ની લોક ડાઉનની પરિસ્થિતિમાં પણ રાજ્યમાં પીવાના પાણીની તકલીફ ન પડે તે પ્રકારનું આયોજન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવ્યું. જેમાં દૈનિક ૧૯૦૦  એમ.એલ.ડી. પાણીના વિતરણથી રાજ્યના ૯૦૦૦ ગામો તથા ૧૮૫ શહેરોને પીવાનું પાણી પુરું પાડવામાં  આવ્યુ છે.
 
‘‘હર ઘર જલ’’ને સફળ બનાવવા માટે લોક ભાગીદારી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. રાજ્યમાં વધુને વધુ લોકો લોકભાગીદારીમાં તેમજ આયોજન કરવામાં સરકારનો સહયોગ કરે તેવી લાગણી અને રાજ્યના કોઇપણ છેવાડાના વિસ્તારમાંથી આંગળીના ટેરવે પાણી પુરવઠા વિભાગની કામગીરીની વિગતો લોકો ઘરે બેઠા જાણી શકે તે આશય સાથે આ સોશિયલ મીડિયા પ્રોફાઇલનું લોન્ચિંગ કરવામાં આવ્યુ હોવાનું ઉમેર્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના વાયરસના કારણે સુરતના ડાયમંડ ઉદ્યોગને 8000 કરોડનું નુકસાન