ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આખું વર્ષ, માંગો એ દિવસે માંગો એ બ્રાન્ડનો દારૂ ઉપલબ્ધ હોય છે તેમાં પોલીસની સીધી સાંઠગાંઠ છે એ જગજાહેર છે. એક રીતે કોન્સ્ટેબલથી માંડી આઈપીએસ સુધી બધા અંદરખાને તો દારૂની રેલમછેલ રહે તે જ ઈચ્છતા હોવાની છાપ છે. આઈપીએસ અધિકારીની આવી જ હૈયાની વાત જાણે હોઠે આવી ગઈ હોય તેવી એક ઘટનામાં શહેરના સેક્ટર-૨ જેસીપી અશોક યાદવે એક ટ્વિટ કરી ‘દારૂબંધીને જાકારો આપો’ એવી લોકોને હાકલ કરતાં મોટો વિવાદ સર્જાયો હતો.
કેટલાય ટ્વીટરાટીએ ધ્યાન દોરતાં ભાંગરો વટાયાનું ભાન થતાં આઈપીએસ કક્ષાના આ અધિકારીએ પોતાનું આ ટ્વિટ ડીલીટ કરી દેવામાં જ શાણપણ રાખ્યું. 31 ડિસેમ્બરની રાતે યુવાનો ઉજવણીમાં મસ્ત બન્યા હતા તો ત્યાં જ કેટલાક યુવાનો નશો કરવામાં વ્યસ્ત હતા. દારૂબંધી ગણાતા ગુજરાતમાં 31મીની રાતે દારૂની રેલમછેલ બોલી હતી. રાજ્યમાં 100થી વધુ લોકો દારૂના નશામાં ઝૂમતાં ઝડપાયા હતા.રોડ પર પસાર થતા વાહન ચાલકોને રોકી બ્રેથ એનાલાઈઝર વડે તપાસવાનું શરૂ કરી દીધું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની ઐસી કી તૈસી થઇ છે. પોલીસના દાવા વચ્ચે દારૂડિયાઓએ ધૂમ મજા માણી હતી અને પોલીસના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કર્યુ હતું રાજ્યમાં અત્યાર સુધી પોલીસે 600થી વધુ પીધેલાઓને પકડ્યા છે.