ઉતરાણ પહેલાં જ ધારદાર દોરીથી 3ના ગળાં કપાયાં, એક નું મોત
, સોમવાર, 31 ડિસેમ્બર 2018 (13:38 IST)
અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા જ દોરીથી 3નાં ગળા કપાયાની ઘટના સામે આવી છે. દોરી વાગતા એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટના અમદાવાદનાં હાટકેશ્વરમાં બની છે, જ્યાં એક યુવકને ધારદાર દોરી ગળાનાં ભાગે વાગતા તેનું મોત થયું છે. હાટકેશ્વર બ્રિજ પર વટવાનાં મેહુલ સિંહ ડાભીનાં ગળાનાં ભાગે તીક્ષ્ણ દોરી ચાલી હતી અને જેના કારણે તેમનું સારવાર મળે તે પહેલા જ મોત થયું છે. મૃતક મેહુલ ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો અને તેને એક નાનો ભાઈ છે. શુક્રવારે સાંજે જ્યારે યુવક ધંધાર્થે હાટકેશ્વર બ્રિજ પરથી એક્ટિવા લઇને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ગળાનાં ભાગે ધારદાર દોરી ચાલી હતી, જેને કારણે યુવકનાં ગળાની નસ કપાઈ ગઈ હતી. રિક્ષાચાલકે યુવકને હૉસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત થયું હતુ.
તો અન્ય ઘટનામાં ઇસનપુરથી ચંડોળા જવાના રસ્તે લોટલ સ્કૂલ પાસે એક યુવકને દોરી વાગતે નીચે પટકાયો હતો. જયેશ પટેલ નામનાં યુવકનાં ગળા અને નાકનાં ભાગે ધારદાર દોરી વાગી હતી. આ ઉપરાંત એસજી હાઈવે-સોલાબ્રિજ પર એક યુવકનું ગળું કપાયું છે. ગાંધીનગરનાં યુવકનું ગળું કપાયું છે. 29 વર્ષનો અંકિત લોહીલુહાણ હાલતમાં પોલીસ ચોકીએ પહોંચ્યો હતો. હેબતપુર ટ્રાફિક પોલીસકર્મીઓએ તેને સારવાર અર્થે ખસેડ્યો છે. જો કે સમયસર સારવાર મળી જતા અંકિત ખરાડીનો જીવ બચી ગયો છે.
આગળનો લેખ