ધારાસભ્યોની નારાજગી સામે રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે ધારાસભ્યોની નારજગી પક્ષ કે સરકાર સામે નથી પરંતું અધિકારીઓ સામે છે.જે અધિકારીઓ કામ કરતાં નથી તેની સામે પગલાં લેવાશે.અમે ધારાસભ્યોને મળીને તેમની નારાજગી દુર કરીશું.
ભાજપના ત્રણ ધારાસભ્યોએ સરકારની કામગીરી સામે સવાલો ઉભા કરતાં અનેક સવાલો ઉભા થયાં છે. વડોદરાના ધારાસભ્યો યોગેશ પટેલ, કેતન ઇનામદાર અને મધુ શ્રીવાસ્તવે એક મીટીંગ યોજી હતી જેમાં તેમનો સુર હતો કે રાજ્ય સરકારના મંત્રીઓ તેમને મળવા માટે સમય ફાળવતા નથી. વડોદરાના સર્કિટ હાઉસમાં ભેગા થયેલા ભાજપના ત્રણ ધારાસભ્યોએ ગાંધીનગરમાં ચાલતી લાલિયાવાડી સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે. ધારાસભ્યોએ દાવો કર્યો છે કે અધિકારીઓ તેમને ગાંઠતા નથી જેના કારણે કામ અટકી પડ્યું છે.
મધુ શ્રીવાસ્તવે કહ્યું કે અધિકારીઓનું વર્તન તુમાખીભર્યું છે. તેઓ અમારું સાંભળતાં નથી. મંગળવારે અમે મંત્રીઓને મળવા માટે ઘણી રાહ જોવી પડી હતી. અધિકારીઓને આવેદન મોકલ્યા હતા તેમ છતાં કશું થયું નહીં. સરકાર ભાજપની છે પણ તેને આ અધિકારીઓ ચલાવી રહ્યા છે. મને વડોદરામાં પક્ષ તરફથી કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી નથી જેના કારણે નાખુશ છું.
ધારાસભ્ય કેતન ઈનામદારે કહ્યું કે જે-તે મતક્ષેત્રની જવાબદારી ત્યાંના ધારાસભ્યની હોય છે. અમારે ત્યાંના સ્થાનિકોની જરૂરીયાતો સંતોષવાની હોય છે. અધિકારીઓ તેમના કામમા ઢીલા છે અને જોઈ લઈશું-કરી લઈશું તેવા જવાબો આપે છે. આ પ્રકારના જવાબ આપવાના બદલે કામ પૂરું કરવાની અધિકારીઓએ ખાતરી આપવી જોઈએ. જિલ્લા વિકાસ અધિકારીઓ અને કલેક્ટર કાર્ય પૂરું કરવામાં યોગ્ય મદદ કરે છે પરંતુ ગાંધીનગરમાં સચિવ કક્ષાએ રહેલા અધિકારીઓ કામ કરવામાં સહકાર નથી આપતા.