વડોદરા કોર્ટમાં ગઇકાલે થયેલી તોડફોડ અને લાઠીચાર્જ બાદ વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. આ સમયે મહિલા વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. પોતાની માંગણીઓને લઇને સાત વકીલો આમરણાંત ઉપવાસ આંદોલન પર ઉતરી ગયા છે. અને જ્યાં સુધી બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ ન થાય અને કોર્ટ સંકુલમાંથી પોલીસ હટાવવામાં ન આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ અને અચોક્સ મુદતની હડતાલ ચાલુ રહેશે તેવો વકીલોએ નિર્ણય કર્યો છે. વડોદરા કોર્ટના વકીલો આજે સવારે કોર્ટના ગેટ પાસે એકત્ર થયા હતા. જ્યાં પોલીસ અને ડિસ્ટ્રક્ટ જજ સામે સુત્રોચ્ચારો કર્યા હતા.
જ્યારે મહિલા વકીલોએ રામધૂન કરી હતી. 130 કરોડના ખર્ચે એશિયાની સૌથી મોટી જિલ્લા અદાલતનું બે દિવસ પહેલાં ઉદ્ઘાટન થયા બાદ આજે આ સંકુલમાં તમામ અદાલત કાર્યરત થવાની હતી, પરંતુ વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ થયો ન હોવાના કારણે આજે વકીલો ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ રજૂઆત કરવા માટે જતાં મામલો બિચક્યો હતો અને જજની ચેમ્બરમાં જ વકીલોએ તોડફોડ કરી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે બળ પ્રયોગ કરતાં કેટલાક વકીલોને ઈજા પહોંચી હતી. ગુજરાત હાઇકોર્ટના જજ બેલાબેન ત્રિવેદી, વડોદરા ડિસ્ટ્રીક્ટ જજ અને સિનીયર એડ્વોકેટ કૌશિક ભટ્ટ વચ્ચે વાતચીત ચાલી રહી છે. જ્યાં સુધી બેઠક વ્યવસ્થા નહીં ફળવાય ત્યાં સુધી આ મરણાંત ઉપવાસ ચાલુ રહેશે તેવી ચિમકી વકીલોએ ઉચ્ચારી છે. વકીલોનું કહેવુ છે કે, અમારી સામે ખોટી ફરિયાદ દાખલ કરાઇ છે. જેનો અમે વિરોધ કરીએ છીએ. વડોદરા બાર એસોસિયેશન ઉપપ્રમુખ વૈકંક જોષીએ જણાવ્યુ હતુ કે, અમે અચોક્કસ મુદ્દતની હડતાળ પર છીએ. જેથી આજે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીશું. અમારી માંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમારૂ આંદોલન ચાલુ જ રહેશે.