મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો છે કે ગિફટ સિટી હવે ઝડપભેર ફાયનાન્સિયલ વર્લ્ડનું પાવર હાઉસ બની રહ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તત્કાલિન મુખ્યમંત્રી તરીકે ગિફટ સિટીના નિર્માણથી ગુજરાતને માત્ર નાણાં સંસ્થાઓ જ નહિ પરંતુ કોમોડિટી એકસચેન્જ, શેર ટ્રાન્ઝેકશન્સસ, ડેરીવેટીવ્ઝ અને આંતરરાષ્ટ્રિય સ્ટોક માર્કેટનું હબ બનાવવાનું સેવેલું સપનું હવે સાકાર થયું છે. ગિફટ સિટીમાં યસ બેન્કના IFSC ન્યૂ હેડકવાર્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ સાથે યસ બેન્કના યુ.એસ.ડી. બોન્ડ ઇસ્યુઅન્સ અને આઇ.એન.એકસ.નો બેલ વગાડી શુભારંભ કરાવ્યો હતો.
રૂપાણીએ યસ બેન્કને ર વર્ષના ટૂંકા સમયગાળામાં ર બિલીયન અમેરિકી ડોલરના નાણાં કારોબાર માટે અભિનંદન પાઠવ્યા હતા. અન્ય બેન્કો માટે આ ઘટના પ્રેરણારૂપ બનશે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના નેતૃત્વની કેન્દ્ર સરકારે વર્તમાન બજેટમાં ગિફટ સિટી માટે જે વિશેષ પ્રોત્સાહનો આપ્યા છે તે ગુજરાતને દેશના નવા આર્થિક કેન્દ્રના રૂપમાં વધુ વ્યાપક સ્તરે વિકસીત કરશે. તેમણે જણાવ્યું કે, દેશની કુલ વસ્તીના પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત દેશના અર્થતંત્રના વિકાસમાં સાત ટકાથી વધુ યોગદાન આપી રહ્યું છે.