Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નિતિન પટેલ બાદ પરષોત્તમ સોલંકી અને હવે જેઠા ભરવાડ, ભાજપની એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ

નિતિન પટેલ બાદ પરષોત્તમ સોલંકી અને હવે જેઠા ભરવાડ, ભાજપની એક સાંધે ત્યાં  તેર તૂટે તેવી સ્થિતિ
, ગુરુવાર, 4 જાન્યુઆરી 2018 (12:13 IST)
વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ માટે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. નારાજ નીતિન પટેલને તેમને જોઈતું ખાતું આપી પક્ષે માંડ મનાવ્યા છે, ત્યારે પરષોત્તમ સોલંકી નારાજ થયા છે. સોલંકીનું કોકડું હજુ ઉકેલાયું નથી, ત્યાં હવે પંચમહાલમાં પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા ભાજપના બાહુબલી નેતા જેઠા ભરવાડના સમર્થકો તેમને મંત્રીપદુ ન અપાતા નારાજ થયા છે.

સમર્થકોની નારાજગી અંગે જેઠા ભરવાડનું કહેવું છે કે, તેમને પોતાને કોઈ અસંતોષ નથી પરંતુ તેમના સમર્થકો તેમનો મંત્રીમંડળમાં સમાવેશ ન કરવામાં આવતા ભારે નારાજ છે. જેઠા ભરવાડને મંત્રીપદુ આપવાની માગ સાથે તેમના સમર્થકોના ટોળાં તેમના મતક્ષેત્રમાં ઉમટ્યાં હતાં. ભાજપના સ્થાનિક કાર્યાલય તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સમક્ષ તેમના સમર્થકોએ રજૂઆતો કરી છે.સમર્થકોની માગ છે કે, છેલ્લી પાંચ ટર્મથી શહેરાની જનતા જેઠા ભરવાડને ખોબેને ખોબે મત આપે છે, ત્યારે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ થવો જ જોઈએ. એટલું જ નહીં, સમર્થકોએ એવી ચિમકી પણ ઉચ્ચારી છે કે, જો જેઠા ભરવાડને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું તો શહેરા બેઠકના ભાજપના તમામ કાર્યકર્તાઓ પક્ષમાંથી રાજીનામાં આપી કોંગ્રેસમાં જોડાઈ જશે, અને તેના માઠાં પરિણામ ભાજપે સ્થાનિક ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં પણ ભોગવવા પડશે.મહત્વનું છે કે, પોતે નહીં પણ પોતાના ટેકેદારો તેમજ સમાજ નારાજ હોવાનું કારણ આગળ ધરીને ભાજપના એક પછી એક નેતાઓ મંત્રીપદ માગી રહ્યા છે, અથવા સરકારમાં પોતાનું કદ વધારવા પ્રયાસ કરી રહ્યા છે. સમાજ અને સમર્થકોના નામે નેતાઓએ પક્ષનું નાક દબાવવાનું શરુ કરતા હવે પક્ષના મોવડી મંડળ માટે પણ રોજેરોજ ઉભા થઈ રહેલા નવા-નવા દાવેદારોની માગ કઈ રીતે સંતોષવી તે અંગે ચિંતા ઉભી થઈ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહારાષ્ટ્રની હિંસાએ ગુજરાત ધમરોળ્યું, ટોળાએ ધોરાજીમાં બસ સળગાવી