અમરેલીમાં સિંહોની અવર-જવર વધી ગઈ છે. ત્યારે ખાંભાના ભાડ ગામે માલધારીના પશુવાડામાં એક વૃદ્ધ સિંહ ઘુસી ગયો હતો.આ સિંહે ઘરના પશુવાડામાં 3 વાછરડાનું મારણ પણ કર્યું હતું. ત્યારબાદ સિંહે પશુવાડામાં બાંધેલ ઘોડી પર નિશાન સાધ્યું હતું. જો કે આ બાબત સિંહને ભારે પડી ગઈ હતી અને ઘોડીએ લાતો મારી સિંહને પછાડ્યો હતો. સિંહનો સામનો કરી ઘોડીએ પોતાના માલિક અને એક બળદનો જીવ બચાવ્યો હતો.
સિંહ અને ઘોડી વચ્ચે રીતસરની ફાઇટ જામી હતી. જેને નિહાળવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મોડીરાત્રે વન વિભાગનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને ખાસ્સી જહેમત પછી દોઢ વાગ્યે વનરાજને ઘરમાંથી બહાર કાઢતાં ગ્રામજનોએ રાહતના શ્વાસ લીધા હતા. ખાંભા-તુલસીશ્યામ રેન્જના આરએફઓના કહેવા મુજબ આ સિંહની અવસ્થા આવી ગઈ છે. બે દિવસ પહેલાં જ મિતિયાળા જંગલમાં તેને માંસ અપાયું હતું પણ એ ખાઈ શક્તો ન હોવાથી ડોક્ટર પાસે તેને સારવાર અપાઈ હતી. તેમના કહેવા મુજબ આ સિંહની વધુ સારવાર માટે તેને ફરી પકડવામાં આવશે.