ગુજરાતની પ્રાદેશિક સંસ્કૃતિની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ આ ત્રણ વિસ્તારની કલા બેનમૂન છે. આપણે અહીં વાત કરવી છે કચ્છના ભૂંગાની. જે હાલમાં કચ્છના રણોત્સવમાં ભારે ડિમાન્ડ પામ્યાં છે. ભૂંગા એટલે તે ગાર માટીના બનેલા ઝૂંપડા પણ આપણા દેશી ઝૂંપડા અને કચ્છના ભૂંગામાં બહુ મોટો તફાવત હોય છે. ભૂંગા ભલે ગાર માટી અને વાંસના બનેલા હોય પરંતુ તેને ઝૂંપડા તો ક્યારે ના કહી શકાય. આ ભૂંગાનો આકાર ગોળ અને તેની દિવાલો અંદર અને બહાર બંને તરફથી ગાર માટી, ઘાસ અને લત વાંસની બનેલી હોય છે. આ ભૂંગાની બનાવટમાં એવું ઇજનેરી કૌશલ્ય પ્રયોજવામાં આવ્યું હોય છે કે તેમાં સખત ઉનાળામાં 46 ડીગ્રી. સે. તાપમાનમાં પણ ભૂંગાની અંદર બફારો કે ગરમી નથી લાગતી, પણ ઠંડક લાગે છે. જ્યારે શિયાળામાં બે અંશ સે. તાપમાને અંદર હુંફાળું વાતાવરણ હોય છે. અહીં વિષમ આબોહવા સામે ભૂંગા લોકોને રક્ષણ આપે છે. આ ભૂંગાઓ ખાસ કરીને કચ્છના રણ વિસ્તારમાં વધુ જોવા મળે છે. ભૂંગા તો વર્ષો પહેલાં હાલના રહેતા મલિકાના વડવાઓએ બનાવેલા હાય છે.
તેનું દર વર્ષે નવીનીકરણ અને રંગરોગાણ કરવામાં આવે છે.ત્રીઓ દર દિવાળી પહેલા ભૂંગાની અંદર અને બહારની દિવાલો પર જુની ગાર માટીને ઉખેડી નવેસરથી ગારનું લીંપણ કરે છે. ગાર સુકાયા બાદ સ્ત્રીઓ અંદરના ભાગે સુશોભન, રંગોળી, ચિત્રો અને ડિઝાઇનો દોરે છે. આ કલાની બધી કૃતીઓ કોઇપણ લપેડા નથી હોતા પરંતુ ઉચ્ચકક્ષાના કલાકારોની બરાબરી કરી શકે તેવી કલાનો નમુના જોવા મળે છે. ભૂંગામાં રહેતા જત પરિવારોની સ્ત્રીઓ મોટાભાગે ભરત ગુથણની કલામાં માહેર હોય છે. તેઓ ભરતકામના એવા અદભૂત નમુના બનાવે છે કે ઘણીવાર તો કપડાના એક ટુકડા પર એક આખું વર્ષ ભરતકામ ચાલે છે.ભૂંગાની અદભૂત વાત તો એ છે કે, 2001માં કચ્છ ભૂકંપમાં જ્યારે મોટાભાગના મકાનો, રહેણાંક અને બિલ્ડીંગોને અસર થઇ હતી ત્યારે અનેક માણસોની જાનહાની થઇ હતી. ત્યારે કચ્છનો એક પણ ભુંગો પડી ભાગ્યો ન હતો. અને ભૂંગામાં રહેનાર કોઇ માનવીને ઇજા પણ થઇ ન હતી. કચ્છમાં ભૂકંપ બાદ ઘોરડો (રણ)માં તો બધેજ ભૂંગા બન્યા હતા. હવે તો ડિઝાઇનર અને કલાત્મક ભૂંગાઓ બની રહ્યા છે. કચ્છમાં આવતા વિદેશીઓ પણ હોટલમાં રહેવા કરતા ભૂંગામાં રહેવાનું વધારે પસંદ કરે છે. આ કારણે કેટલીક ફાઇવસ્ટાર હોટેલો ભૂંગામાં ફેરવાઇ ગઇ છે. ધોળાવિરા કે જે હડપ્પન સંસ્કૃતિ માટે જાણીતી છે. ત્યાં 11 ભૂંગાવાળી અધતન હોટલ આવેલી છે. જમવા માટે ડાયનીંગ હોલ માત્ર સિમેન્ટનો છે. કચ્છના પશ્ચિમના હોડકા ગામે તથા ભુજ પાસેના રૂદ્રમાતાના મંદિર પાસે પણ ભૂંગામાં હોટેલ બનાવાઇ છે. કચ્છના રણનો ભારે પવનો, વાવાઝોડા, ભારે તાપ અને ભંયકર ઠંડીમાં પણ વર્ષો સુધી ટકી રહેનારા ભૂંગા કચ્છી લોક ઇજનેર કૌશલ્યનો અદભૂત નમુનો છે.