Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, દિવસે ખેડૂતોને મળશે વિજળી

રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, દિવસે ખેડૂતોને મળશે વિજળી
, ગુરુવાર, 31 ડિસેમ્બર 2020 (11:13 IST)
ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે ખેડૂતોને દિવસે વીજળી આપવાની હિમાયત હતી તે હવે પરિપૂર્ણ થઇ ગઇ છે. રાજ્ય સરકારે ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે વીજળી આપવા માટે રૂા.૩૫૦૦ કરોડની યોજનાનો શુભારંભ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા  ૨૪મી ઓક્ટોબરના રોજ વર્ચ્યુઅલી જૂનાગઢ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. જેમાં પ્રાથમિક તબક્કે દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ૧૦૫૫ ગામડાઓને આવરી લઇ ૧ લાખ ખેડૂતોને લાભાન્વિત કરાયા છે અને ધીમે ધીમે રાજ્યના તમામ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લઇને દિવસે વીજળી પૂરી પાડવાનું અમારૂ આયોજન છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી ખેડૂતો માટેની મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના  હેઠળ બીજા તબક્કાનો શુભારંભ કરાવશે. તદ્અનુસાર  મુખ્યમંત્રી વિજય રૂપાણી તા. ૩ જી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સોમનાથ જિલ્લાના ઉના ખાતે, ૫ મી જાન્યુઆરીના રોજ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે, ૭ મી જાન્યુઆરીના રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે અને ૯ મી જાન્યુઆરીના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ઉપસ્થિત રહી શુભારંભ કરાવશે. આ બીજા તબક્કામાં રાજ્યના ૩૦ જિલ્લાના ૧૫૦ તાલુકાના ૨૪૦૯ ગામડાના અંદાજે ૧.૯૦ લાખ ખેડૂતોને આવરી લઇ દિવસે વીજળી પૂરી પાડવામાં આવશે જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના ૬ જિલ્લાઓ, પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ૧૨ જિલ્લાઓ, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ૬ જિલ્લાઓ અને મધ્ય ગુજરાત વીજ કંપની હેઠળના ૬ જિલ્લાઓને આવરી લેવાશે. જેમાં ૮૮૩ ફીડરો થકી ખેડૂતોને દિવસે વીજળી પુરી પાડવામાં આવશે. આ માટે ૩૭૫ મેગા વોટ વીજળીની જરૂરિયાત ઉભી થશે.
 
ઊર્જા મંત્રી સૌરભ પટેલે ઉમેર્યુ કે,  રાજ્યમાં હાલ ૧૫૩ ગ્રુપ છે તેમાં અડધા ગ્રુપને દિવસમાં અને અડધા ગ્રુપને રાતના વીજળી પૂરી પાડવામાં આવે છે. હવે આ યોજના હેઠળ સવારે ૫-૦૦ વાગ્યાથી રાત્રિના ૦૯-૦૦ કલાક દરમિયાન વીજળી આપાશે. તેમણે ઉમેર્યુ કે, સોલાર પાવર ફક્ત દિવસના સમયગાળા દરમિયાન જ ઉપલબ્ધ હોય છે. આવનાર સમયમાં સૌર ઊર્જાની ઉત્પાદન ક્ષમતા વધવાથી દિવસમાં પાવરની ઉપલબ્ધતા વધશે. રાજયમાં હાલ ૧૭.૨૫ લાખથી વધુ કૃષિ વીજ ગ્રાહકો છે. જેમને ૧૫૩ જૂથોમાં વહેંચીને ૮૪૦૦ થી વધુ ૧૧ કેવી ના કૃષિ ફીડરો દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.આ જૂથોને ૨૪ કલાકમાં ત્રણ શીફ્ટથી થ્રી ફેઝ વીજ પુરવઠો અને ૨૪ કલાક સિંગલ ફેજ વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે.  
 
આ જૂથોની એવી રીતે ફેરવણી કરવામાં આવે છે કે દરેક જૂથને અઠવાડિયા માટે દિવસના સમયગાળામાં ત્યારબાદના અઠવાડિયા માટે રાત્રીના કલાકો દરમ્યાન અને પછીના બે અઠવાડિયા માટે આંશિક દિવસ અને આંશિક રાતના કલાકો દરમ્યાન વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે. ખેડૂતોને રાત્રિ દરમિયાનના વીજ પુરવઠાના સમયે જીવ-જંતુ અને જનાવરનો ભય અને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. છેલ્લા કેટલાય વર્ષથી તેમના તરફથી દિવસે પાવર આપવાની રજૂઆત હતી તે પૂર્ણ થશે.
 
તેમણે ઉમેર્યુ કે, ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી ખેડૂતોને દિવસે વીજળી આપીને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થાય તે માટે રાજ્ય સરકારે આ કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકી છે. ખેડૂતોને દિવસે વીજળી આપવાના પડકારરૂપ કાર્યને ત્રણ વર્ષમાં પુરા કરવા માટે રાજય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આ માટે  જરુરી માળખાકીય નેટવર્ક ઉભુ કરવા માટે ૨૦૨૦-૨૧ના વર્ષના બજેટમાં આગામી ત્રણ વર્ષ માટે રૂા.૩૫૦૦ કરોડની જોગવાઇની કરી છે. તેમણે ઉમેર્યુ કે ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવા માટે, આગામી સમયમાં રુપિયા ૫૨૦  કરોડના ખર્ચે ૧૧ નવા ૨૨૦ કે.વી. સબસ્ટેશન,  રુપિયા ૨૪૪૪.૯૪ કરોડના ખર્ચે ૨૫૪  નવી ૨૨૦ / ૧૩૨/ ૬૬  કે. વી. લાઇન ઊભી કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યના 4 શહેરોને કરફ્યું મળી રાહત, કેબિનેટની બેઠકમાં લેવાયો આ નિર્ણય