મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે હંગામી જામીન પર છોડવા માટે કોર્ટ સમક્ષ માંગ કરી હતી. બીજી બાજુ આ ઘટનામાં મૃતકોના પરિવારજનોએ જયસુખ પટેલની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. હાઈકોર્ટે આ જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ યોજવા નિર્ણય કર્યો છે.હવે આરોપી જયસુખ પટેલની દિવાળી જેલમાં જ જશે.
આ દુર્ઘટનામાં તાજેતરમાં જ ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને કોર્ટમાંથી શરતી જામીન મળ્યાં હતાં. કોર્ટ તેમને રાજકોટ અને મોરબીમાં નહીં પ્રવેશવાની શરતે જામીન આપ્યા હતાં. આ કેસમાં કોર્ટે અત્યાર સુધીમાં 3 સુરક્ષા કર્મી, 2 ક્લાર્ક સહિત એક મેનેજરને જામીન પર મુક્ત કર્યાં છે. મોરબીમાં મચ્છુ નદીં પર ઝૂલતા પુલનું રિનોવેશન જયસુખ પટેલની ઓરેવા કંપનીએ કર્યું હતું. 26 ઓક્ટોબર 2022 થી મોરબીનો ઝૂલતો પુલ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષ સુધી ટકી શકશે તેવી ગેરંટી આપવામાં આવી હતી. આ બ્રિજ તૂટતાં 135 લોકો મોતને ભેટ્યાં હતાં. આ ઘટના બાદ ઓરેવા કંપનીનો માલિક જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ત્યાર બાદ કોર્ટ સામે હાજર થતાં તે હાલ ન્યાયિક કસ્ટડીમાં જેલમાં બંધ છે અને વારંવાર જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરે છે. તેણે નિયમિત જામીન ના મળે ત્યાં સુધી કોર્ટ પાસે હંગામી જામીન મેળવવા માટે અરજી કરી છે.