Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

LRD ભરતી મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, પરીપત્રમાં કરાશે સુધારો

LRD ભરતી મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, પરીપત્રમાં કરાશે સુધારો
, બુધવાર, 12 ફેબ્રુઆરી 2020 (11:50 IST)
રાજ્ય સરકારની વિવિધ ભરતી પ્રક્રિયાઓ સંદર્ભે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા. ૧/૦૮/૧૮નો પરીપત્ર કરાયો છે તેમાં પણ યુવાઓ-મહિલાઓને કોઇપણ જાતનો અન્યાય ન થાય તે માટે જરૂરી સુધારાઓ કરવાનો પણ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજય સરકાર અનામતની નીતિને સંપૂર્ણ રીતે વરેલી છે અને બંધારણની જોગવાઈ મૂજબ અનામતના હક્કો અનામતના વર્ગોને પૂરા પાડવા કટિબધ્ધ છે. બિન અનામત વર્ગના લોકોને પણ નુકસાન ન જાય તેની સંપૂર્ણ કાળજી પણ રખાશે. 
 
તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ ભરતી પ્રક્રિયા સંદર્ભે સા.વ.વિ. દ્વારા તા.૧/૦૮/૧૮ના રોજ કરવામાં આવેલ પરીપત્રના અમલમાં થયેલી વિસંગતતાને પરીણામે એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. માં અનામત અને બિન અનામત વર્ગની વિસંગતતાઓ માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને ભા.જ.પા.ના અગ્રણીઓ અને પરીક્ષા સંલગ્ન મહિલા ઉમેદવારો દ્વારા રજૂઆત કરાયેલ હતી. તેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કોઇપણ ઉમેદવારોને અનામત સંદર્ભે કોઇ જાતનું નુકશાન ન થાય તેની સંપૂર્ણ ખાતરી આપી છે ત્યારે મહિલાઓએ પોતાનું આંદોલન સમેટી લેવું જોઇએ. 
 
પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે LRD ની ભરતીના સંદર્ભમાં આ પરીપત્રના અમલીકરણના કારણે SC/ST/OBC માં અનામત અને બિન અનામત વચ્ચે માર્કની વિસંગતતામાં વધુ માર્કસ ગુણવત્તા ધરાવતાને અન્યાય થયો છે તેવું રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ ભા.જ.પા.ના વરિષ્ઠ આગેવાનોએ અને આના કારણે જેને અન્યાય થવાની શક્યતાઓ છે તેવા વર્ગ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ત્રણ દિવસ અગાઉ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે અનામત અંગે દેશની જુદી-જુદી હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચૂકાદા અને જુદા-જુદા રાજ્યોમાં તેનું અમલીકરણ કરવાની પ્રક્રિયાના સંદર્ભમાં સર્વગ્રાહી અભ્યાસ કરીને આ ઉકેલ લાવવામાં આવશે. આ અંગે આજે રાજ્ય સરકારના મંત્રી મંડળના સભ્યો, સાંસદો તથા ધારાસભ્યઓએ રજૂઆત કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ આ પ્રતિનિધિ મંડળને એવી ખાતરી આપી હતી કે આ અંગેનો અન્યાય નિવારવા માટે રાજ્ય સરકાર વિવિધ રાજ્યોની વડી અદાલતોએ તેમના રાજ્યોમાં અનામતના સંદર્ભમાં આપેલા ચૂકાદાઓનો સર્વગ્રાહી અભ્યાસ કરી યોગ્ય નિર્ણય કરી સુધારા વાળો પરીપત્ર બહાર પાડી વિસંગતતા દૂર કરશે. આ બાબત ધ્યાને રાખીને ગુણવત્તાના આધાર પર મહિલાઓને અન્યાય ન થાય તે માટે સરકાર દ્વારા જરૂરી સુધારા વધારા કરવામાં આવશે.
 
તેમણે ઉમેર્યું કે SC/ST/OBCના અનામત માટે ગુજરાતની ભા.જ.પા.ની સરકાર કટિબધ્ધ છે અને બિન અનામત વર્ગના અધિકારોનું પણ અમે રક્ષણ કરીશું. પ્રવર્તમાન પરીપત્ર ના કારણે ઉભી થયેલ વિસંગતતા દૂર કરવાનો મુખ્યમંત્રી કક્ષાએ લીધેલ નિર્ણય બાદ તમામ LRD મહિલા ઉમેદવારોને સરકાર તરીકે વિનંતી કરૂ છું કે તેમણે પોતાનું આંદોલન સમાપ્ત કરવું જોઇએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હી: આપના ધારાસભ્ય નરેશ યાદવ પર ઘાતક હુમલો, કાર્યકરનું મોત, એકની ધરપકડ