સ્કૂલ વર્ધી સંચાલકોની ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક, હડતાલ સમેટાઇ, આજથી સ્કૂલ વાનો સ્કૂલ રીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ થશે
બાળકોની જીંદગી સાથે ચેડા થાય તેને રાજ્ય સરકાર ચલાવી લેવા માંગતી નથી : પ્રદિપસિંહ જાડેજા
Publish Date: Fri, 21 Jun 2019 (10:10 IST)
Updated Date: Fri, 21 Jun 2019 (10:13 IST)
છેલ્લા કેટલાક દિવસની સ્કૂલ વર્ધીના વાન/રીક્ષા ચાલકો દ્વારા ચાલતી હડતાલને પગલે ગુરૂવારે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસીએશનના હોદ્દેદારો સાથે ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ બેઠક યોજી હતી. બેઠકમાં સ્કૂલ વર્ધી સંચાલકોને નડતાં પ્રશ્નો અને તેના વ્યવહારૂ ઉકેલ લાવવાની દિશાના પગલા બાબતે સફળ વાટાઘાટો થઇ હતી. જેના પગલે આજથી સ્કૂલ વર્ધી વાન / રીક્ષાઓ રાબેતા મુજબ બાળકોને શાળાએ લઇ જવાનું શરૂ કરશે.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર બાળકોની જિંદગીને અગત્યની સમજે છે અને બાળકોની જીંદગી સાથે ચેડા થાય તેને કોઇકાળ ચલાવી લેવા માંગતી નથી. ગૃહ મંત્રીએ સ્કૂલ વર્ધી સંચાલકો સાથે બાળકોના હિતમાં કાર્ય કરવા અપીલ કરી સ્કૂલ વર્ધી સંચાલકોની વાહનોના રજિસ્ટ્રેશન, પાર્સિંગ ઝડપથી થાય તેમજ ખાનગીમાંથી ટેક્સી વાહનમાં કન્વર્ટ કરવાની સમય મર્યાદા વધારવાની માંગણીઓ પરત્વે સરકાર હકારાત્મક છે અને તે બાબતે આર.ટી.ઓ.ના કાયદાની મર્યાદામાં રહીને સ્કૂલ વર્ધી સંચાલકોની મુશ્કેલીઓ દૂર કરવાની ખાતરી આપી હતી.
સ્કૂલ વર્ધી યુનિયનને તેમનાં સ્કૂલ વર્ધી વાન/રીક્ષા ચાલકોને સમજાવવાં તથા કાયદા મુજબ જરૂરી રજિસ્ટ્રેશન કરાવવા સહકાર આપવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસીએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટે પણ રાજ્ય સરકારનાં સહકારની સરાહના કરી જરૂરી સહકારની ખાતરી આપી હતી. આ બેઠકમાં ટ્રાન્સપોર્ટ અગ્રસચિવ શ્રીમતી સુનયના તોમર, ટ્રાન્સપોર્ટ કમિશનર સોનલ મિશ્રા, પોલીસ કમિશનર મોહન ઝા, જોઇન્ટ પોલીસ કમિશનર મોથલિયા, વાહનવ્યવહાર વિભાગના અધિકારીઓ તથા સ્કૂલ વર્ધી એસોસીએશનનાં હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.