આ વર્ષે કોરોના નહિવત કેસો હોવાને પગલે ભવ્ય ભવ્ય રીતે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા પહેલા મહત્વપૂર્ણ ઉત્સવ વિધિ ''જળયાત્રા આજે જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કરવા વરઘોડા રુપે પહોંચી હતી. સાબરમતી નદીના ભુદરના આરે ગંગાપૂજન બાદ 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે.આ જળથી ભગવાનનો મહાભિષેક કરી શોડષોપચાર પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ 11 વાગ્યે ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગારી મોસાળ મોકલવામાં આવશે. સાંજે 4 વાગ્યે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાન પોતાના મોસાળમાં પહોંચી જશે અને જ્યાં પણ લોકો દર્શન કરી શકશે.આ જળયાત્રા મહોત્સવમાં મુંબઈ અને ડાકોરના પ.પૂ મંગળપીઠાધીશ યજ્ઞસમ્રાટ ટીલાદ્વારા ગાધાચાર્ય 1008 માધવાચાર્ય મહારાજ, અન્ય સાધુ સંતો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત શહેરના તમામ ધારાસભ્યો, સાંસદો, મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહેશે.