ગુજરાતમાં લોકરક્ષકની ભરતીની પરીક્ષા રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. પેપરલીંક કૌભાંડ બાદ પરીક્ષાર્થીઓને સરકાર પરથી ભરોષો ઉઠી ગયો હોય તેમ બે લાખ ઉમેદવારોએ પરીક્ષા જ આપી ન હતી. રવિવારેપરીક્ષા દરમિયાન અમદાવાદ અને રાજકોટમાં વર્ગ ખંડમાંથી બે ઉમેદવારો મોબાઇલ સાથે પકડાતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે દાહોદમાં એક ઉમેદવારને પ્રશ્નપત્ર અધુરુ મળ્યું હોવાનું બહાર આવ્યું છે.
લોકરક્ષકદળની રવિવારે પરીક્ષા યોજાઇ હતી જેમાં ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા ૮.૭૬ લાખ ઉમેદવારોને કોલ લેટરો ઇસ્યું કરવામાં આવ્યા હતા. જે પૈકી કુલ ૬.૭૫ લાખ ઉમેદાવારોએ પરીક્ષા આપતાં જેથી બે લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી ન હતી. તેમ રાજ્ય પોલીસ ભરતી બોર્ડના પ્રમુખ વિકાસ સહાયએ જણાવ્યું હતું.
રવિવારેસવારે કુલ ૨૫૦૦ સેન્ટરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે ૮ વાગ્યાથી બાયોમેટ્રીક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધર્યા બાદ આઇડી પ્રુફ સહિતના પુરાવાની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે ૧૦.૩૦ વાગ્યાથી પરિક્ષાર્થીઓને વર્ગ ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સવારે ૧૧ વાગ્યાથી પરીક્ષા શરૃ થઇ હતી જેમાં કાયદાકીય અને જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
રાજ્ય પોલીસ ભરતી બોર્ડે એલઆરડીની ભરતીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે રવિવારેથ્રી લેયર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં રાજ્યની કુલ ૨૪૪૦ શાળા, કોલેજોમાં ૨૯,૯૦૦ બ્લોકમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એટલુ જ નહીં,પરિક્ષામાં ગેરરીતી ન થાય તે માટે દરેક પરીક્ષાખંડમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી યુ.ટુ.પીઆ સ્કૂલમાં પરીક્ષા દરમિયાન મહેસાણાના જયેશ ચૌધરી મોબાઇલ સાથે પકડાયો હોવાથી તેની પરીક્ષા રદ કરીને તેની સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે રાજકોટમાં પણ એક ઉમેદવાર વર્ગ ખંડમાંથી મોબાઇલ સાથે પકડાયો હતો.
બીજીતરફ દાહોદના લીમડી સેન્ટરમાં એક ઉમેદવારને અધુરુ પ્રશ્નપત્ર મળ્યું હતું, આ અંગે ઉમેદવારે પરીક્ષા શરુ થયા બાદ ૩૫ મીનીટ પછી વર્ગખંડમાં પરીક્ષા સંચાલકને રજુઆત કરી હતી. નિયમ મુજબ પરીક્ષા શરૃ થયા બાદ પ્રશ્નપત્ર ઉમેદવારને આપ્યા પછી તુરંત જાણ કરવાની હોય છે, માટે હવે આ કેસમાં કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહી.