Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકમેળાએ આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે” – મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

લોકમેળાએ આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે” – મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
, ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (14:52 IST)
શ્રાવણની ઝરમર અને હજજારો લોકોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટમાં આઝાદીના અમૃત લોકમેળાને બુધવારે સાંજે લોકો માટે ખુલ્લો મુક્યો હતો. આ સાથે જ રાજકોટના  આંગણે આજથી પાંચ દિવસ માટે આનંદ ભયોનું વાતાવરણ સર્જાયું છે. 
 
આ મેળા સાથે મુખ્યમંત્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સંચાલિત પ્રદર્શન સહ વેચાણ સ્ટોલ્સ, માહિતી ખાતાનો પ્રદર્શન ડોમ તેમજ પોલીસના શસ્ત્ર પ્રદર્શનના સ્ટોલનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કેન્દ્ર અને રાજ્ય સરકારની અમૃત યોજનાઓ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. મેળાના ઉદઘાટન બાદ ખુદ મુખ્યમંત્રી, ઉપસ્થિત મંત્રીઓ તેમજ મહાનુભાવોએ મેળામાં લટાર મારી હતી, તેમજ મુખ્યમંત્રી, મંત્રીગણ તેમજ મહાનુભાવોએ ફજર ફાળકામાં બેસીને મેળાની મજા માણી હતી. મુખ્યમંત્રીએ આ તકે લોકોને ભગવાન કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે આયોજિત આ પાંચ દિવસીય મેળાનો ભરપૂર આનંદ લેવા સંદેશ આપ્યો હતો.
 
મેળાનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ મહિનામાં રાજકોટ પ્રભુ શ્રીરામ અને શ્રી કૃષ્ણના રંગે રંગાયું છે. આપણે રામવન નામે અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું. અહીં કૃષ્ણમય બનેલા લોકમેળાનો આપણે આજથી પ્રારંભ કર્યો છે. સનાતન હિન્દુ સંસ્કૃતિના બે મહાન પ્રતીક ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણના નામ સાથે જોડાયેલી ઘટનાઓ રાજકોટમાં આકાર લઈ રહી છે. ભારતમાં નહીં વિદેશમાં પણ લોકો રામ અને કૃષ્ણને માને છે, અનુસરે છે. ભારતમાં થયેલા ઈશ્વરીય અવતારો આપણી સંસ્કૃતિ, માન્યતાઓ, ઉપાસના અને આરાધના, તહેવારો અને ઉત્સવોના કેન્દ્ર સ્થાને રહ્યા છે. સૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્કૃતિ પર ભગવાન શ્રી કૃષ્ણનો ઊંડો પ્રભાવ છે.       
                                           
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય પર્વે આપણી વિરાસતો પર ગર્વ લેવાનું આહવાન કર્યું છે. રહેણીકરણી, ભાષા-બોલી, ખાન-પાન, પરંપરાઓ, ઉત્સવો અને મેળા આપણી સાંસ્કૃતિક વિરાસત છે. આપણે આ વિરાસતને ગર્વભેર વિશ્વ સમક્ષ ઉજાગર કરવામાં ઉત્સવો સક્ષમ માધ્યમ છે. તેમણે કહ્યું કે, લોકમેળા ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર છે. લોકમેળાએ આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે. આપણા લોકમેળાઓ સામાજિક સમરસતા, એકતા, બંધુતાના પણ પ્રતીક છે. રંગીલા રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રના મોજીલા લોકો માટે આ લોકમેળો આનંદનું સ્થાન બની રહેવાનો છે. તેમણે કહ્યું હતું કે, લોકમેળાનો આનંદ માણીએ સાથે સ્વચ્છતા, જાહેર સંપત્તિના જતન સહિતની નાગરિક તરીકેની ફરજો પણ નિભાવીએ. 
 
આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણમંત્રી તથા જિલ્લા પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ, રામવનનું લોકાર્પણ તેમજ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે આયોજિત આ લોકમેળો એમ અનોખો ત્રિવેણી સંગમ સર્જાયો છે. કોરોના પછી પહેલીવાર આ લોકમેળો યોજાઈ રહ્યો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સૌને વેક્સિન આપી અને આપણે સૌએ વેક્સિન લઈને કોરોનાને હરાવ્યો છે, તેના કારણે આવા લોકમેળા અને જાહેર કાર્યક્રમોના આયોજન શક્ય બની રહ્યા છે. 
 
આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ લાક્ષણિક શૈલીમાં સંબોધન કર્યું હતું કે, રાજકોટની અને સૌરાષ્ટ્રની પ્રજા સંસ્કારી છે. આ લોકમેળામાં લાખો લોકો ઉમટે છે, પણ એક પણ અનિચ્છનિય ઘટના બનતી નથી. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, લોકમેળા એ આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. માણસો અહીં આવે છે અને પોતાનું દુઃખ, શ્રમ, થાક ઉતારીને જાય છે. 
 
મેળાના ઉદઘાટન માટે આવેલા મુખ્યમંત્રી, મંત્રીગણ તથા મહાનુભાવોનું મેળાના ગેટ પર ફૂલડે વધાવીને સ્વાગત કરાયું હતું. બાદમાં દીપ પ્રાગટ્ય સાથે મેળાનો ઉદઘાટન સમારોહ શરૂ થયો હતો. તમામ મહાનુભાવોના સ્વાગત બાદ કલેક્ટરે સ્વાગત પ્રવચન કર્યું હતું.
 
આ અવસરે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા,વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, રાજકોટ મ્યુનિ.ના મેયર પ્રદીપ ડવ,જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી,ડે. મેયર ડૉ. દર્શીતાબેન શાહ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર,નગરપાલિકાના પ્રાદેશિક નિયામક ધિમંત વ્યાસ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુખ્યમંત્રી, મંત્રીગણ સહિતના મહાનુભાવો મહાલ્યા, ફજરફાળકાની મજા માણી