મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્રસિંઘે ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિમંડળ સાથે લીધી હતી. ડૉ. જિતેન્દ્રસિંઘના નેતૃત્વ હેઠળનું આ પ્રતિનિધિમંડળ ગુજરાતના આઇ-ક્રિયેટની ગતિવિધિઓ અને પ્રગતિના અભ્યાસ માટે ગુજરાત પ્રવાસે આવેલું છે.
આ મુલાકાત દરમિયાન તેમણે આઇ-ક્રીયેટની પ્રવૃત્તિઓ નિહાળીને સવલતોનું પણ નિરીક્ષણ કર્યુ હતું. એટલું જ નહિ, સેન્ટરના ઇન્કયુબેટીઝ સાથે પણ સંવાદ કરી માહિતી મેળવી હતી. આ સેન્ટરમાં સફળતાપૂર્વક હાથ ધરાયેલા પ્રોજેકટસ નિહાળીને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી પ્રભાવિત થયા હતા અને સંતોષ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રી સાથેની બેઠક દરમિયાન કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ આઇ-ક્રિયેટને વર્લ્ડ કલાસ ઇન્સ્ટીટયૂટ બનાવવા માટેના જુદા જુદા પાસાંઓ, બાબતો અંગે ગહન પરામર્શ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતમાં આ આઇ-ક્રિયેટ એકમાત્ર સંસ્થા છે અને તેને આવનારા સમયમાં વિશ્વકક્ષાનું સંસ્થાન બનાવવા કેન્દ્ર-રાજ્ય સરકાર સાથે મળીને આગળ વધે તે આવકાર્ય છે.
મુખ્યમંત્રીએ પણ વડાપ્રધાનની ‘નયા ભારતના નિર્માણ’ની સંકલ્પના સાકાર કરવા આ સંસ્થાનને શ્રેષ્ઠ સંસ્થાન બનાવવામાં રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.