fire broke out in a plastic company
વડોદરાના જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં ગત મોડીરાત્રે આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ પ્લાસ્ટિક કંપનીમાં લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાસ્ટિકની કંપનીમાં આગ લાગતા આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગના બનાવ અંગે ફાયર વિભાગની જાણ કરતા ત્રણ ફાયર સ્ટેશનની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવી હાલમાં કુલિંગની કાર્યવાહી કાર્યવાહી ચાલી રહી છે.
સાવલી જીઆઇડીસીમાં અવારનવાર આગના બનાવો સામે આવતા હોય છે. ગતરાત્રે 11:30 કલાકે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, કે.બી. પ્લાસ્ટિક નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. આ કોલ મળતા જ ઇઆરસી ફાયર સાથે ટીપી 13 અને દાંડિયાબજાર ફાયર સ્ટેશનની ટીમો ચાર ગાડીઓ સાથે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આગ પ્રચંડ હોવાથી ફાયર વિભાગને ભારે જહેમત બાદ વહેલી સવારે આગ પર કાબૂ મેળવ્યો હતો અને હાલમાં કુલિંગની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, આ કંપનીમાં પ્લાસ્ટિકનો વિવિધ સ્ક્રેપ પડેલો હતો અને તેમાંથી દાણા બનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગના બનાવને લઈ કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ કંપનીનો સંપૂર્ણ શેડ બળીને ખાક થઈ ગયો છે અને કંપનનીને મોટાપાયે નુકસાન થયું હોય તેવું જાણવા મળ્યું છે.