Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં 7 બેઠકો પર 24 ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો જંગ

આજે ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં 7 બેઠકો પર 24 ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો જંગ
, શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (09:12 IST)
ગુજરાત શિક્ષણ બોર્ડની આજે રાજ્યભરમાં ચૂંટણી યોજાનાર છે. કુલ 9 બેઠકોની ચૂંટણીમાંથી બે બેઠકો અગાઉ બિનહરિફ જાહેર થયા બાદ હવે 7 બેઠકો માટે ચૂંટણી થશે અને જેમાં કુલ 24 ઉમેદવારો મેદાનમાં છે.લગભગ પાંચ વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે અને સરકારે એક્ટમાં સુધારો કર્યા બાદ હવે 26 ને બદલે માત્ર 9 બેઠકોની ચૂંટણી છે ત્યારે રસાકસીભર્યો જંગ થનાર છે. આ ચૂંટણીનું પરિણામ 28મી સપ્ટેમ્બરે જાહેર થશે. બોર્ડની ચૂંટણીમાં 24 ઉમેદવારો માટે રાજ્યમાં 107 મતદાન મથક પર ચૂંટણી યોજાશે
 
. 76 હજાર 175 મતદારો કરશે ઉમેદવારોનું બોર્ડ સભ્ય પદનું ભાવિ નક્કી થશે. ગુજરાત શિક્ષણ બોર્ડમાં હોદ્દાની રૃએ રહેતા સભ્યોને બાદ કરતા ખ વર્ગમાં 26 સભ્યો માટે ચૂંટણી થતી હોય છે.દર ત્રણ વર્ષે ચૂંટણી યોજાય છે અને છેલ્લે જાન્યુઆરી 2017માં ચૂંટણી થયા બાદ જાન્યુઆરી 2020માં ચૂંટણી થનાર હતી પરંતુ બોર્ડે મુદત લંબાવી જુન સુધી કરી હતી અને ત્યારબાદ ફરી મુદત  લંબાવી સપ્ટેમ્બર 2020 સુધી કરી હતી.દરમિયાન સરકારે વિધાનસભામાં ખરડો પસાર કરી એક્ટમાં સુધારો કર્યો હતો અને 26 બેઠકો ઘટાડી ૯ બેઠકો કરી દીધી હતી.ત્યારબાદ કોરોનાને લીધે ચૂંટણીમાં વિલંબ થયો અને છેલ્લે મેમાં ચૂંટણી જાહેર થયા બાદ મોકુફ કરવી પડી હતી.  9 બેઠકોમાંથી બી.એડ કોલેજ આચાર્યની બેઠક અને સરકારી સ્કૂલના શિક્ષકની બેઠક સહિત બે બેઠક બિનહરિફ થતા હવે 7 બેઠકો માટે ચૂંટણી થનાર છે. જેમાં સ્કૂલ આચાર્યની એક બેઠક માટે 3 ઉમેદવાર, સંચાલક મંડળના પ્રતિનિધિની બેઠક માટે 6 ઉમેદવાર, ઉચ્ચતર બુનિયાદી શિક્ષકની એક બેઠક માટે 4 ઉમેદવાર, માધ્યમિક શિક્ષકની એક બેઠક માટે બે ઉમેદવાર, વહિવટી કર્મચારી મંડળની એક બેઠક માટે બે ઉમેદવાર,ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની બેઠક માટે 3 ઉમેદવાર અને વાલી મંડળની બેઠક માટે 4 ઉમેદવાર સહિત 24 ઉમેદવારો મેદાનમાં છે. સૌથી વધુ રસાકસી વગ ધરાવતી સંચાલક મંડળની બેઠક માટે છે.જેમાં સૌથી વધુ છ ઉમેદવાર છે. જુદા જુદા સંચાલક મંડળો દ્વારા બેઠકો,મીટિંગો અને જોર-શોરથી પ્રચાર સાથે એડીચોટીનું જોર લગાવવામા આવ્યુ છે.આ ઉપરાંત વાલી મંડળની બેઠક માટે ભારે ખેચતાણ છે.શિક્ષકો સંઘો મેદાન આવતા આ વખતે શિક્ષકોની બેઠકો માટે પણ ઘણા ઉમેદવારો છે.જ્યાં સૌધી વધુ સ્કૂલો છે તેવા અમદાવાદમાંથી બે ઉમેદવારો મેદાનમાં છે. આજે સવારે 8 થી 5  દરમિયાન રાજ્યના 107 મતદાન મથકોમાં મતદાન થશે. કુલ 76 હજાર 175 માન્ય મતદારો છે જેઓ મતદાન કરશે. આજે ચૂંટણીને પગલે સ્કૂલોમાં રજા રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફાયર સેફ્ટીનો અમલ ન કરતી ઇમારતોને ઝડપથી સીલ કરો, કાયદાના પાલનમાં લાગણીઓને અવકાશ નથીઃ ગુજરાત હાઇકોર્ટ