Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Surat News - સુરતમાં સીટી બસના ડ્રાઈવરે બસ ચલાવી તો પલટી મારી ગઈ, લોકોએ ડ્રાઈવરને ધોઈ નાંખ્યો

surat news
, શનિવાર, 17 જૂન 2023 (12:38 IST)
સુરતમાં સિટી બસના ડ્રાઇવર અને કંડકટર બંને પીધેલી હાલતમાં બસને લઈને ડેપોમાં જમા કરાવવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન બસના ડ્રાઈવરે રસ્તે જતી કારને ટક્કર મારી બસ ખાડીમાં ખાબકી ગઈ હતી. અકસ્માત સર્જાતાંની સાથે જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા, જેમાં ડ્રાઇવર અને કંડકટર નશાની હાલતમાં હોવાનું જણાઈ આવતાં ધોલાઈ કરી પોલીસને સોંપ્યા હતા. સદનસીબે બસમાં કોઈ મુસાફર સવાર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી 
 
 
સુરત સિટી બસ સુરતથી ઓલપાડ સુધીના રૂટ પર પણ દોડે છે, જેમાં ગત રાત્રે ઓલપાડથી સુરત પરત ડેપોમાં સિટી બસ જઈ રહી હતી. એ દરમિયાન બસનો ડ્રાઇવર નશાની હાલતમાં હોવાના કારણે રસ્તે જતી કારને બસના ચાલકે ટક્કર મારી હતી. ત્યાર બાદ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સિટી બસ રોડની સાઈડની ખાડીમાં ખાબકી હતી. કારને ટક્કર મારતાંની સાથે જ લોકોનું ધ્યાન એ અકસ્માત તરફ ગયું હતું અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. આ દુર્ઘટના પહેલાં ઓલપાડ-સુરત રોડ પર અન્ય વાહન હંકારનારાઓએ પણ જોયું હતું કે બસનો ડ્રાઇવર ગફલતભરી રીતે બસને હંકારી રહ્યો હતો.બસ ખાડીમાં પડતાં લોકો ભેગા થઈ ગયા હતા. એ બાદ લોકોએ નાસી ગયેલા કંડકટર અને ડ્રાઇવરને ખેતરમાંથી શોધીને માર માર્યો હતો. જ્યારે ડ્રાઇવર હાથ લાગ્યો ત્યારે તે ફુલ નશાની હાલતમાં હોય એવું જણાઈ આવ્યું હતું. સિટી બસે અડફેટે લીધેલી કારમાં નાની બાળકી પણ સવાર હોવાને કારણે લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. ડ્રાઇવર અને કંડક્ટરને લોકોને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. એ બાદ એકત્રિત થયેલા લોકો દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. એ બાદ ડ્રાઇવર અને કંડક્ટરને લોકોના મારથી બચાવી સ્ટેશને લઈ જઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 
 
સિટી બસમાં ચાલકો પર લગામ લગાવવી ખૂબ જ જરૂરી છે. મોટી સંખ્યામાં મુસાફરો સિટી બસ અને બીઆરટીએસ બસનો ઉપયોગ કરે છે. ઓલપાડથી સુરત પરત ફરતી વખતે સિટી બસનો ચાલક દારૂના નશામાં ચકચૂર હતો. ડ્રાઇવર એટલો નશામાં હતો કે તેને વાત કરવાનું કોઈ ભાન નહોતું. દારૂના નશામાં બસની મોટી દુર્ઘટના પણ બની શકે છે. સદનસીબે રાત્રે ડેપોમાં બસ જમા થવા જઈ રહી હતી, એને કારણે કોઈ પેસેન્જર અંદર સવાર નહોતો, પરંતુ આ રીતે નશાની હાલતમાં બસ હંકારવી એ ખૂબ જ લોકો માટે જોખમી છે. સુરત કોર્પોરેશનના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ.આ મામલે સુરત કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે જણાવ્યું હતું કે ઓલપાડથી સુરત ડેપોમાં બસ આવી રહી હતી, એ દરમિયાન આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. બસ ડેપોમાં જતી હોવાને કારણે અંદર કોઈ પેસેન્જર નહતો. કારને ટક્કર માર્યા બાદ બસ ખાડીમાં પડી હતી. સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા, તેમના આક્ષેપ હતો કે ડ્રાઇવર નશાની હાલતમાં છે. જોકે આ બાબતે જાણ કરાતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે તેમજ યોગ્ય જણાય એ બાબતની તપાસ પણ શરૂ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Andhra Pradesh: 10માં ધોરણના વિદ્યાર્થીને પેટ્રોલ નાખી જીવતો સળગાવ્યો, સાયકલ પર જઈ રહ્યો હતો ટ્યુશન, પોલીસ કરી રહી છે તપાસ