સુરતમાં વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ડિંડોલીમાં ચોથા માળેથી 4 વર્ષીય બાળકીનું પટકાતાં મોત નીપજ્યું હતું. બાળકી ઘરની ગેલેરીમાં રમતાં-રમતાં નીચે પટકાઈ હતી. ત્યા રબાદ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
મૂળ ઉત્તપ્રદેશના રહેવાસી અને સુરતમાં ડિંડોલી નવાગામ ખાતે રાહુલ મૌર્યા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને બે દીકરી છે. રાહુલ જાહેરાતની કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ 4 વર્ષની દીકરી અંકિતા તેની નાની બહેન સાથે ઘરના ચોથા માળે રમી રહી હતી અને માતા બીમાર હોવાથી રૂમમાં ઊંઘતા હતા. પિતા રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા. દરમિયાન અંકિતા આવી હતી અને એક પૂરી લઈને ફરી ગેલેરીમાં રમવા જતી રહી હતી. ત્યાર બાદ અંકિતા રમતાં-રમતાં ચોથા માળેથી પટકાઈ ગઈ હતી.પિતા દીકરીનો અવાજ સાંભળી દોડી આવ્યા હતા. ત્યારબાદ બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. મોટી દીકરીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.