Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં પતિએ સાસરિયાઓ પાસે 3 બીએચકે ફ્લેટ અને 100 જોડી કપડાંની માંગ કરી

અમદાવાદમાં પતિએ સાસરિયાઓ પાસે 3 બીએચકે ફ્લેટ અને 100 જોડી કપડાંની માંગ કરી
, શુક્રવાર, 14 એપ્રિલ 2023 (16:43 IST)
અમદાવાદમાં દહેજનું દૂષણ આજના આધુનિક યુગમા પણ જોવા મળી રહ્યું છે. શહેરમાં દહેજનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે ચોંકાવનારો છે. પતિએ લગ્ન બાદ સાસરિયાઓ સામે 3 બીએચકે ફ્લેટ અને 100 જોડી કપડાની માંગ કરી છે. જો આટલું આપો તો જ તમારી છોકરીને મોકલજો એવી ધમકી પણ આપી છે. જેથી પરીણિતાએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન 2019માં પાલડીમાં રહેતા દર્શન શાહ સાથે થયાં હતાં. લગ્નના શરૂઆતના દિવસોમાં સાસરિયાઓએ તેને સારી રીતે રાખી હતી. પરંતુ બાદમાં તેની સાથે કંકાશ શરૂ કરી દીધો હતો. કામમાં નાની નાની વાતે તેને હેરાન કરતાં હતાં અને મહેણાં ટોણાં પણ મારતા હતાં. પરીણિતાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેની નણંદ પણ ઘરે આવીને સાસુ સસરા તેમજ તેના પતિને ચઢામણીઓ કરતી હતી. તે એવું કહેતી હતી કે આ તેના બાપના ઘરેથી શું લઈને આવી છે એને કહો કે એનો બાપ એક ફ્લેટ અપાવી દે તેમાં આ મહારાણી શાંતીથી રહે. 
 
ઘરમાં રોજે રોજ કકળાટ શરૂ થયો હતો. ત્યાર બાદ બંને જણા અલગ રહેવા જતાં રહ્યા હતાં. આ દરમિયાન તે ગર્ભવતી બની હતી અને તેના પતિએ આ બાબતની જાણ ઘરમાં કરતાં જ સાસરિયાઓએ ઝગડો શરૂ કર્યો હતો. તેનો પતિ તેને કહેતો હતો કે તું એબોર્શન કરાવી દે મારે આ બાળક નથી જોઈતું. ત્યાર બાદ તેને તેના પિતાના ઘરે મુકી આવ્યો હતો. ત્યાં પણ તે આવીને ગાળાગાળી કરતો હતો. સમાજના મોભીઓ સાથે સમાધાન પણ થયેલું અને ત્યાર બાદ પણ ઘરમાં ઝગડા ઓછા નહોતા થતાં પતિ વારંવાર ગાળા ગાળી કરીને માર મારતો હતો. જેથી પરીણિતા કંટાળીને તેના પિતાના ઘરે ફરીવાર રહેવા જતી રહી હતી. 
 
તેનો પતિ પિતાના ઘરે આવીને પણ મન ફાવે તેમ બોલતો હતો અને કહેતો હતો કે તમારી છોકરીને મોકલવી હોય તો 3 બીએચકે ફ્લેટ અને 100 જોડી કપડા આપીને મોકલજો નહીંતર મોકલતા જ નહીં. ત્યાર બાદ સામ સામે બેસીને દાગીનાની આપલે થયેલ હતી. ત્યાર બાદ દીકરીનો જન્મ થતાં પતિ તેને લેવા માટે આવતો નહોતો. જેથી પરીણિતાએ તેના સાસરિયા અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખેલો ઇન્ડિયા વુમન્સ લીગમાં સુરતની પાંચ યુવતીઓનું થયું સિલેક્શન