ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસું જામી શકે છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવાર-શનિવારે નવસારી-વલસાડ-ડાંગ, રવિવારે સુરત-નવસારી-વલસાડ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-સાબરકાંઠા-આણંદ-છોટા ઉદેપુર-નર્મદા-ડાંગ-તાપી-રાજકોટ-અમરેલી-ભાવનગર, સોમવારે નવસારી-વલસાડ-દમણ-બનાસકાંઠા-પાટણ-પોરબંદર-જુનાગઢ-ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જોકે, અમદાવાદમાં આગામી ૩ દિવસ માત્ર હળવા વરસાદની જ સંભાવના છે. આજે દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૨.૯ અને હવામાં ભેજનું પ્રમાણ ૮૦% નોંધાયું હતું. ગુજરાતમાં હજુ સુધી ૮.૫૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૨૫.૭૬% વરસાદ નોંધાયો છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો અત્યારસુધી કચ્છમાં ૪.૭૨ ઈંચ સાથે મોસમનો ૨૭.૦૪%, ઉત્તર ગુજરાતમાં ૫.૪૩ ઈંચ સાથે મોસમનો ૧૯.૨૮%, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬.૯૬ ઈંચ સાથે મોસમનો ૨૧.૯૦%, સૌરાષ્ટ્રમાં ૬.૬૧ ઈંચ સાથે મોસમનો ૨૪.૦૪% અને દક્ષિણ ગુજરાતમાં ૧૮.૨૨ ઈંચ સાથે મોસમનો ૩૧.૬૮% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.