હાર્દિક પટેલના મોસાળ નરસિંહપુરામાં રવિવારે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ પાટીદારોને જણાવ્યું હતું કે, ઘરના વ્યક્તિઓ સામે જ કેટલાક લોકો બીજાના હાથા બની ગયા છે, તેમનાથી ગેરમાર્ગે દોરવાતા નહીં. નીતિન પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજને કેટલાક ખોટા લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. સમાજે આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ. સાચા નેતા અને કાર્યકરોને ઓળખવા જોઈએ. નહીં ઓળખો તો રાંડ્યા પછી ડહાપણ શું કામના તેવી પરિસ્થિતિ થઇને ઉભી રહેશે. ખોટી પ્રવૃત્તિઓ, ઉશ્કેરણી બધુ બંધ કરી ભાજપની સરકારમાં આવનાર સમયને વધુ સુરક્ષિત બનાવવા હાકલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, પરોઢિયે ઉઠીને ખેતરમાં મજૂરી કરનાર વ્યસનમુક્ત ઝાલાવાડી પાટીદાર સમાજ અાજે શિક્ષણથી સધ્ધર બન્યો. સમાજના મોટા ભામાશાઓ સમાજના અન્ય નબળા લોકોના સાચા શુભચિંતક બન્યા. ભાજપની સરકારમાં જમીન અને મકાનોની કિંમત લાખો કરોડોની થતાં પહેલાના નાના મોટા વેપારીઓ સમાજના ભામાશા બની શક્યા છે. અગાઉની સરકારમાં ગામડાઓમાં ખેડૂતોના ઉભા પાકની રખેવાળી માટે પોલીસ બોલાવવી પડતી હતી. ઘોડેસવાર પોલીસ ફરતી રહેતી ત્યારે ખેડૂતો માલ ઘરે લઈ જઈ શકતા.