Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વેલેન્ટાઈન ડેના દિવસે અમદાવાદમાં વરિષ્ઠ દંપત્તિ દિવસની ઉજવણી કરાઈ

વૃદ્ધ દંપત્તિઓએ રોમેન્ટિક સોંગ ગાઈને પ્રેમનો દિવસ ઉજવ્યો

વેલેન્ટાઈન ડેના દિવસે અમદાવાદમાં વરિષ્ઠ દંપત્તિ દિવસની ઉજવણી કરાઈ
, સોમવાર, 15 ફેબ્રુઆરી 2021 (11:01 IST)
14મી ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી થાય છે. ત્યારે વિશ્વના કેટલાક દેશો એવા છે જેમાં વરિષ્ઠ દંપત્તિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વેલેન્ટાઈન ડેના દિવસે અમદાવાદના નારણપુરા ખાતેના જીવનસંધ્યા આશ્રમમાં વરિષ્ઠ દંપત્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દંપત્તિઓએ પ્રેમના આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
webdunia

જેમાં એક દંપત્તિએ એકબીજાને હાર પહેરાવીને લગ્નના પ્રથમ દિવસની યાદને તાજી કરી હતી. બીજી બાજુ આશ્રમમાં રહેતા દંપત્તિઓએ રોમેન્ટિક ગીતો ગાઈને ખુશી વ્યક્ત કરી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે મધ્યપ્રદેશના ઈન્દોરથી અમદાવાદ આવેલા યોગ ગુરુ ક્રિષ્ણા મિશ્રાએ આ દિવસ પર વરિષ્ઠ દંપત્તિ દિવસ ઉજવવાની એક અનોખી પહેલ શરુ કરી છે. આજનો યુવા વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે યુવાન પતિ પત્નીને સંબંધોનું મહત્વ સમજાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જીવનમાં અનેક વિષમતાઓ હોવા છતાં અનેક વર્ષો સુધી સાથે રહેનારા દંપત્તિઓને અહીં સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ એ હતો કે આજની યુવા પેઢી જેટલા ઉત્સાહથી પોતાના પ્રેમનો એકરાર કરે છે. એટલા જ ઉત્સાહથી જીવનમાં પોતાના સંબંધને મજબૂત બનાવે. લગ્ન બાદ શરુ થતાં મનદુઃખ, બેદરકારી અને અહંકારને કારણે સંબંધને ના તોડવો જોઈએ. જીવન સંધ્યા આશ્રમમાં વૃદ્ધ દંપત્તિઓ આ કાર્યક્રમથી ખુબજ ખુશ થયાં હતાં. તેમણે વેલેન્ટાઈન ડે નિમિત્તે અનેક રોમેન્ટિક ગીતો ગાઈને પ્રેમનો ઉત્સાહ રજુ કર્યો હતો. ગુરુજી ક્રિષ્ણા મિશ્રાએ કહ્યું હતુ કે આજના યુવાનોને હું આ દિવસને લઈને જણાવવા માંગું છું કે લોકો સામાન્ય બાબતમાં સંબંધો તોડી નાંખે છે, આવા લોકોએ આ વર્ષોથી સાથે રહેનારા દંપત્તિઓમાંથી કંઈક શીખવું જોઈએ. આ લોકો ભલે વૃદ્ધાશ્રમમાં રહેતાં હોય પણ જીવનના અંતિમ શ્વાસ સુધી સાથે રહેવાના છે. જીવનની વિષમતાઓને ભુલીને તેઓ હાલમાં ખુશ થઈને જીવનમાં આગળ વધી રહ્યાં છે. ત્યારે યુવાઓએ પણ આમાંથી પ્રેરણા લઈને પોતાના સંબંધને મજબૂત બનાવવો જોઈએ.  આ દિવસની ઉજવણી વિશ્વના 14 દેશો સહિત ભારતના 14 શહેરમાં થઈ રહી છે. ભારતીય દંપત્તિઓનો જીવન સુધીનો સાથ જેવું જીવન હવે દુનિયાના અન્ય દેશોના લોકો પણ અપનાવી રહ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં રોજ સરેરાશ 20 વ્યક્તિઓના માર્ગ અકસ્માતમાં મોત નિપજે છે, 3 વર્ષમાં 22 હજાર કરતાં વધુ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો