તાજેતરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના વ્યાપક હિતમાં મગફળી-જણસીઓની ટેકાના ભાવે ખરીદી આગામી તા.૧૫ નવેમ્બર સુધી મોકુફ રખાશે. ગુજરાતમાં દિવાળી બાદ થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને જે નુકશાન થયું છે તેનો સરવે કરવામાં આવી રહ્યો છે તેની વિગતો આપતા કહ્યું કે, રાજ્ય સરકારે આગામી તા.૧૫ નવેમ્બર-૨૦૧૯ સુધી મગફળી અને જણસીઓની ટેકાના ભાવે ખરીદી ખેડૂતોના વ્યાપક હિતમાં મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 15 દિવસથી એક મહિના માટે ખરીદીનું સમયપત્રક બનાવવામાં આવશે ત્યાર બાદ ટેકાના ભાવથી મગફળીની ખરીદી ચાલુ કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું કે, જે ખેડૂતોએ પોતાના પાકનો વીમો ઉતરાવેલો છે તેમને વીમા કંપની તરફથી યોગ્ય વળતર-સહાય કોઈ મુશ્કેલી વગર મળે તે માટે રાજ્ય સરકારે આ વીમા કંપનીઓની દિલ્હી ખાતેની કચેરીઓ સમક્ષ રજુઆત કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, જે ધરતીપુત્રો પાકનો વીમો લીધેલો નથી તેમને નૂકશાનીનો સરવે કરીને નિયમ મુજબ સહાય-વળતર ચૂકવવામાં આવશે. તેમણે તાજેતરના વરસાદથી જો જરૂર જણાય તો નુકશાનીનો ફરીથી સરવે કરવામાં આવશે.
રાજ્યમાં સંભવિત ‘મહા’ વાવાઝોડાની આપત્તિ સામે તંત્ર સતર્ક અને સજાગ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આ માટે જરૂરી તૈયારીઓ સાથે કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવા માટેની સૂચનાઓ આપી છે અને તે પણ જરૂરિયાત મુજબ ત્વરાએ કાર્યરત થઇ જશે.
આ કારણો પણ હોઇ શકે જવાબદાર
જો કે સરકાર દ્વારા અચાનક ટેકાના ભાવે કેમ ખરીદી મોકુફ રાખવામાં આવી છે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે હાલ તો આ નિર્ણય મોકુફ રાખવા પાછળ બે કારણો દેખાઇ રહ્યા છે. એક તો પલળેલી સિંગનું વજન વધારે થાય છે. જો તે સુકી પડ્યા બાદ તેનું વજન ઘટી જાય છે. જો હાલમાં સિંગ જે વજનથી ખરીદી અને વેચાણ થાય ત્યાર બાદ તેનું વજન ઘટી જવાથી મોટુ કૌભાંડ થયું હોવાના સરકાર પર આક્ષેપ થઇ શકે છે. જેથી સરકારે હાલ પુરતુ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનું મોકુફ રાખ્યું છે.
બીજુ કારણ છે કે મગફળી જો લીલી (ભીની) લઇ લેવામાં આવે તો હાલ તો તે સારી હોય પરંતુ પેક કોળથામાં રહેવાના કારણે તે સડી શકે છે. અથવા તો તેની ક્વોલિટી ડાઉન થઇ શકે છે. જેના કારણે સરકાર દ્વારા હાલ મગફળીની ખરીદી મોકુફ રાખી હોય તેવું બની શકે છે. હાલ તો જે મગફળી યાર્ડમાં પડેલી છે તેની ખરીદી કરવામાં આવશે કે ખેડૂતોે તેને પરત લઇ જવી પડશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો ખેડૂતોને મગફળી પરત લઇ જવાનું આવે તો પડતા પર પાટુ જેવી સ્થિતી પેદા થઇ શકે છે.