દેશમાં પ્રદૂષણને ઓછું કરવા અને ઇ વાહનોમાં તેજી લાવવા માટે ઘણા પાસાઓ પર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરકાર ઇ વાહન ચલાવવાની તૈયારી કરી રહી છે. તે દિશામાં કામ કરતાં ગુજરાતના એંજીનિયરિંગ વિદ્યાર્થીઓએ ઇ કાર પણ વિકસિત કરી છે. સુરેન્દ્રનગર સીયૂ શાહ યૂનિવર્સિટીના ઇલેક્ટ્રિકલ એંજીનિયરિંગમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી સ્ક્રેપમાંથી ઇ કાર તૈયાર કરી છે જે એકવાર ચાર્જ થતાં 30 કિમી સુધી દોડશે. વિદ્યાર્થીઓએ ભંગારમાંથી એક બેટરી અને કંટ્રોલર સહિત વસ્તુઓની સાથે ફિટિંગ કરીને ઇ કાર બનાવી છે. આ પ્રોજેક્ટ પર લગભગ 50,000 રૂપિયા ખર્ચ થાય છે.
તમને જણાવી દઇએ કે છ મહિનાની આકરી મહેનત બાદ એંજીનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ આકાશ જાદવ, નવદીપ ડોડીયા, ધર્મિક પટડિયા, કૃણાલ રાવલે આ કારને ગાઇડ ભાવેશ રાવલના માર્ગદર્શનમાં તૈયાર કરી છે. આ ઇ કારને એક રિસર્ચ પ્રોજેક્ટના ભાગરૂપે ડેવલોપ કરવામાં આવી છે. પોતાના આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓએ પહેલાં સ્ક્રેપમાંથી એક કાર ખરીદી. પછી બેટરી અને કંટ્રોલર જેવી વસ્તુઓ લગાવી છ મહિનાના સંઘર્ષ બાદ, તેમણે તેને પેટ્રોલ કે ડીઝલના ઉપયોગ વિના વિજળીની મદદથી ચલાવવા લાયક બનાવી.
કારને ચલાવવા માટે બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે એકવાર ચાર્જ કરતાં આ કાર 30 કિમી સુધી દોડશે. તેની મેક્સિમ સ્પીડ 30 થી 35 કિમી પ્રતિ કલાક છે. બેટરીને ચાર્જ કરવામાં લગભગ બે કલાક લાગે છે. વિદ્યાર્થીઓના માર્ગદર્શક ભાવેશ રાવલે કહ્યું કે સ્ક્રેપ કારને ઇ કારના રૂપમાં તૈયાર કરવાની ટેક્નોલોજીથી ખૂબ મદદ મળશે. તેનાથી નવી ઇ કાર પણ બનાવી શકાશે. સાથે જ વાહનને વિદ્યુત વાહનના રૂપમાં વિકસિત કરવું સંભવ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કોન્સેપ્ટ પેટ્રોલ અને ડીઝલના પ્રદૂષણને અટકાવશે. આ પહેલાં એલડી કોલેજના વિદ્યાર્થીએ આ પ્રકારની નાની કાર બનાવી હતી. જેને પછી યુનિવર્સિટીમાં પ્રદર્શન માટે રાખવામાં આવી. કારની ખાસ વાત એ છે કે તેમાં હેડલાઇટ્સના બદલે એલઇડી લગાવી હતી.