Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના પ્રવાસન મંત્રીએ તેમના ગામમાં 9 કરોડની ગ્રાન્ટનો દુરુપયોગ કરતાં હાઈકોર્ટમાં પીઆઈએલ

ગુજરાતના પ્રવાસન મંત્રીએ તેમના ગામમાં 9 કરોડની ગ્રાન્ટનો દુરુપયોગ કરતાં હાઈકોર્ટમાં પીઆઈએલ
, ગુરુવાર, 31 જાન્યુઆરી 2019 (11:58 IST)
રાજ્યના પ્રવાસન મંત્રીએ તેમના હોદ્દાનો દુરૃપયોગ કરી સુરત જિલ્લામાં આવેલા તેમના ગામમાં બે મંદિર બનાવવા માટે નવ કરોડ રૃપિયાની ગ્રાન્ટ ગેરકાયદે ફાળવી હોવાનો આક્ષેપ કરતી જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. અરજદારોની રજૂઆત છે કે જ્યાં ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તે આદિવાસી વિસ્તાર છે અહીંના લોકોને વૈભવી મંદિર નહીં પરંતુ રહેઠાણ અને શિક્ષણની જરૃરિયાત છે. હાઇકોર્ટે રાજ્ય સરકારના ટુરિઝમ કોર્પોરેશનને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.
અરજદારોની રજૂઆત છે કે ટુરિઝમ કોર્પોરેશને થોડા દિવસો પહેલાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામમાં બે મંદિર બનાવવા માટે ટેન્ડર મગાવ્યા હતા. જેમાં ગામમાં 'નિરાંત રામજી મંદિર' માટે ૪.૩૫ કરોડરૃપિયા અને 'ભાથીજી મહારાજ મંદિર' માટે ૪.૪૫ કરોડ રૃપિયાના ખર્ચે બાંધકામ કરવાની યોજના જાહેરાત કરવામાં આવી હતી. મંદિર બાંધકામનો પ્રોજેક્ટ હાથમાં લઇ શકે તેવી સંસ્થાઓ કે એજન્સીઓને ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા આગળ આવવાનું સૂચન કરાયું હતું. અરજદારની રજૂઆત છે કે રાજ્યનું ટુરિઝમ વિભાગ સરકારી તિજોરીમાંથી ભંડોળ મેળવે છે અને આ ભંડોળમાંથી જ બન્ને મંદિરોના બાંધકામ માટેના કુલ રૃપિયા ૮.૮૦ કરોડ રૃપિયાની ગ્રાન્ટ અંતે ગુજરાત સરકારના ભંડોળમાંથી ચૂકવવામાં આવશે. 
અરજદારનો આક્ષેપ છે કે રાજ્યના વર્તમાન પ્રવાસન મંત્રી પણ આ વાડી ગામના જ છે. ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૬૬ અને ૨૮૨ મુજબ સરકારી ભંડોળનો ઉપયોગ માત્ર જાહેર હિત કે પ્રજા કલ્યાણ માટે થઈ શકે અને ભંડોળનો ઉપયોગ ધાર્મિક સ્થળો બાંધવા કે વિકસાવવા માટે ન થઈ શકે, છતાં પણ પ્રવાસન મંત્રીએ તેમના હોદ્દાનો દુરૃપયોગ કરી સરકારી ભંડોળનો ઉપયોગ ધાર્મિક હેતુસર કર્યો છે. મંદિર વિકસાવવાના પગલાં દ્વારા તેઓ આદિવાસી સમુદાયની એકતામાં ભંગાણ પાડવા ઇચ્છતા હોવાનો અરજદારોનો આક્ષેપ છે.
ગામ આદિવાસી વિસ્તારમાં આવે છે અને અહીંના મોટાભાગના લોકો પાસે યોગ્ય રહેઠાણ, શિક્ષણ કે પાયાની સુવિધાઓ નથી. સરકાર ધાર્મિક હેતુ માટે અહીં કરોડોનો ખર્ચ કરવાની જગ્યાએ અહીંના લોકોને મદદરૃપ થાય તેવા કાર્યો આ ભંડોળમાંથી કરી શકે છે. અરજદારોની રજૂઆત છે કે આ વિસ્તારને રાષ્ટ્રપતિએ અનુસૂચિત જાહેર કર્યો છે તેથી અહીં આ પ્રકારની કામગીરી આરંભતા પહેલા ગ્રામસભાની મંજૂરી લેવાની હોય છે પરંતુ ટુરિઝમ કોર્પોરેશને ગ્રામસભાની મંજૂરી લીધી નથી. મંદિર બાંધકામ અંગેની ટેન્ડર પ્રક્રિયા રદ કરી વધુ આદેશો આપવા માટે અરજદારોએ માગણી કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Budget session 2019 live: રાષ્ટ્રપતિ બોલ્યા - સામાજીક અને આર્થિક ન્યાયના આદર્શો સાથે દેશ આગળ વધી રહ્યો છે