ધો.2ના વિદ્યાર્થીએ ક્લાસની વિદ્યાર્થિની પર આઈ લવ યુ લખેલો કાગળ ડૂચો વાળીને ફેંક્યો
, ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (11:53 IST)
સોશ્યલ મીડિયા અને મોબાઈલના યુગમાં બાળકોની માનસિકતા પણ કેટલી હદે બદલાઈ રહી છે તેનો પૂરાવો આપતો એક ચોંકાવનારો કિસ્સો વડોદરાના પોલોગ્રાઉન્ડ પાસે આવેલી બરોડા હાઈસ્કૂલમાં બન્યો છે. આ સ્કૂલમાં ભણતા ધો.૨ના એક વિદ્યાર્થીએ ક્લાસમાં અન્ય એક બાળકી પર આઈ લવ યુ..લખેલો કાગળ ડુચો વાળીને ફેંક્યો હતો.આ કાગળ બાળકીને બેગમાંથી મળી આવતા તેના પિતાને આઘાત લાગ્યો હતો.આજે તેમણે સ્કૂલમાં આ મુદ્દે હોબાળો મચાવ્યો હતો.જેના પગલે આ ઘટના પ્રકાશમાં આવી હતી.
મનોજ અગ્રવાલ નામના આ વાલીએ એક વાતચીતમાં કહ્યું હતું કે સોમવારે રાતે મારી પુત્રી સ્કૂલ બેગમાં નોટો અને ચોપડીઓ ગોઠવી રહી હતી ત્યારે બેગમાંથી કાગળનો એક ડૂચો મળ્યો હતો.હું તેની બાજુમાં જ બેઠો હતો.ડૂચો જોઈને તે ગભરાઈ જતા મને શંકા ગઈ હતી.કાગળ ખોલીને મેં જોયુ તો તેમાં આઈ લવ યુ.. શબ્દ લખેલા હતા અને હાર્ટ પણ દોર્યુ હતુ.આ જોઈને મેં તેની પૂછપરછ કરી ત્યારે તેણે રડતા રડતા કહ્યું હતું કે મારા ક્લાસમાં જ ભણતા એક વિદ્યાર્થીએ આ કાગળ મારી તરફ ફેંક્યો હતો.આ પહેલા પણ તે ક્લાસમાં આવી હરકત કરી ચુક્યો છે પણ મને બીક લાગતી હોવાથી ઘરમાં જાણ કરી નહોતી.
મનોજ અગ્રવાલના કહેવા પ્રમાણે જો બીજા ધોરણમાં આવી ઘટના બનતી હોય તો તે ખરેખર ચોંકાવનારી ઘટના છે.આજે હું સ્કૂલના પ્રિન્સિપાલને રજૂઆત કરવા ગયો હતો.તેમને મેં કાગળ પણ બતાવ્યો હતો. તેમણે હસતા-હસતા વાત ટાળવાનો પ્રયત્ન કર્યો હતો.જેના કારણે મને વધારે ગુસ્સો આવ્યો હતો.પ્રિન્સિપાલે મને કહ્યું હતું કે સ્કૂલમાં અમે નફરત કરતા નહી પણ પ્રેમ કરતા શિખવાડીએ છે.પ્રિન્સિપાલે આ મામલામાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી પર પણ ધ્યાન આપ્યુ નહોતુ.આ અંગે મેં ટ્રસ્ટી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.ટ્રસ્ટી પણ ફોન પર ઉપલબ્ધ નહોતા.જેના કારણે મારે હોબાળો કરવો પડયો હતો.
સ્કૂલના પ્રિન્સિપાલ પ્રિયા મખ્ખીજાનીનુ કહેવુ હતુ કે વાલીએ આ મુદ્દાને વધારે પડતો ચગાવ્યો છે.વાલીએ અમને ફરિયાદ કરી ત્યારે મેં કાગળમાં આઈ લવ લખનાર બાળકને બોલાવ્યો હતો.તેને પૂછતા તે રડવા માંડયો હતો.આ બાળકને આવુ લખવા પાછળની ગંભીરતા ખબર જ નથી,આમ છતા વાલી તેને રસ્ટિકેટ કરવાની માંગ કરી રહ્યા છે.આજના બાળકો તો ઘરમા મમ્મી, પપ્પા કે ફ્રેન્ડઝને પણ આઈ લવ યુ કહેતા જ હોય છે. મનોજભાઈનુ કહેવુ હતુ કે મારી પુત્રીને મારી પત્નીએ જ્યારે તેને બેગમાંથી મળેલા આઈ લવ યુ લખેલા કાગળ અંગે પૂછ્યુ ત્યારે તે એક કલાક સુધી ઘરના ખૂણામાં બેસીને રડતી રહી હતી.એ પછી તેણે કહ્યું હતું કે ક્લાસમાં આ વિદ્યાર્થીએ પહેલા પણ તેની તરફ કાગળના ડૂચા ફેંકેલા છે.આ અંગે ક્લાસ ટીચરને પણ તેણે વાત કરી હતી અને ટીચરે પણ વાત હસવામાં કાઢી નાંખી હતી.
આગળનો લેખ