દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટનો કહેર શરૂ થતાં જ ગુજરાતમાં જાન્યુઆરીમા યોજનારી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ પર ગ્રહણ લાગવાનો ખતરો ઊભો થયો છે, ગુજરાત સરકાર પણ આ મામલે ચિંતિત બની ગઈ છે અને આગામી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ વધી શકે છે. ગુજરાતમાં દર બે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2019માં યોજાવાની હતી, પરંતુ એ સમયે કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી,
હવે એ સમિટ આગામી 10 જાન્યુઆરીના રોજ યોજવાની ગુજરાત સરકારે જાહેરાત કરીને તૈયારીઓ પણ પુરજોશમાં શરૂ કરી હતી, એમાં પણ દક્ષિણ આફ્રિકા સહિતના વિવિધ દેશોના ઉદ્યોગકારો અને આગેવાનોને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, વાઇબ્રન્ટ સમિટમાં 15 જેટલા કન્ટ્રી પાર્ટનર પણ બન્યા છે. આ ઉપરાંત અન્ય દેશોના પ્રતિનિધિ અને મૂડીરોકાણકારોએ પણ વાઇબ્રન્ટમાં આવવાની તત્પરતા બતાવી હતી.અગાઉ ઉધોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ જાણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર અર્થે દેશ-વિદેશમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુ.કે., ફ્રાન્સ, જાપાન, દુબઈ, આબુધાબી તથા મિડલ-ઇસ્ટના દેશોમાં વિવિધ વિભાગના સચિવો રોડ શો માટે જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.8 અને 9મી ડિસેમ્બરના રોજ દુબઇ અને આબુધાબી ખાતે રોડ શોમાં સહભાગી થશે. જ્યારે દેશભરનાં વિવિધ 6 જેટલાં રાજ્યોના મેટ્રોપોલિટન શહેરમાં પણ રોડ શોનું આયોજન કરાયું છે.ગુપ્તાએ ઉમેર્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા 1 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આજથી વાઇબ્રન્ટ સમિટ સુધીમાં દર સોમવારે મોટા અને વિશિષ્ટ પ્રોજેક્ટ માટે એમઓયુ કરવામાં આવશે. જે એમઓયુ પ્રોજેક્ટમાં પરિવર્તિત થાય એવા જ એમઓયુ કરવામાં આવશે, સાથે આ સમિટમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જે માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેન્કર્સ મીટિંગ પણ કરાઇ હતી. એમએસએમઇ ઉદ્યોગ ક્ષેત્રે લોકોને માહિતી મળે એ માટે 10 જાન્યુઆરીથી ત્રિદિવસીય ગ્લોબલ ટ્રેડ શોનું હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે આયોજન કરાયું છે. આ ટ્રેડ ફેર શોની થીમ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી છે.